તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
શ્રી સોમનાથ મંદિરના ૭૪માં સ્થાપના દિવસની ઉજવણીઃ ધ્વજાપૂજા, મહાપૂજા, સરદાર વંદના, ૧૯૫૧ના પ્રથમ શૃંગારની પ્રતિકૃતિ સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૧૩: પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ૭૪માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જયારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જયોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા ૧૧ મે ૧૯૫૧ અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. આજે આ મહાન ક્ષણ ને ૭૪ વર્ષ થયા છે.
વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ૭૪મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષ દર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ૧૦૮ તીર્થસ્થાનોના અને ૭ સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવી હતી.આજે શ્રી સોમનાથ મંદિર ના ૭૪માં' માં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારશ્રી ને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવેલ, સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજા રોહણ કરવામાં આવેલ, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સવારે ૯:૪૬ વાગ્યે મહાપૂજા કરવામાં આવેલ હતી, એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગાર ની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડ નો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો, આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે, તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં. આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહા શૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવી હતી.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
