<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

કાલાવડના પીપરી ગામે તળાવમાં ન્‍હાવા પડતાં ડુબી જવાથી કુકસવાડાના ૧૮ વર્ષના દેવ ભરડાનું મોત

રવિવારની રજા હોઇ આઠ દસ મિત્રો ન્‍હાવા ગયા ત્‍યારે કરૂણ દૂર્ઘટના નીકાવાની નમકીન ફેક્‍ટરીમાં બે મહિના પહેલા જ નોકરીએ આવ્‍યો હતોઃ પરિવારનો એકનો એક પુત્ર હતો વિધવા માતાનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો


રાજકોટ તા. ૧૩: કાલાવડના નિકાવા ગામે નમકીનની ફેક્‍ટરીમાં બે મહિના પહેલા જ નોકરી કરવા આવેલા માળીયા હાટીના તાબેના કુકસવાડા ગામના ૧૮ વર્ષના યુવાનનું કાલાવડ નજીકના પીપરી ગામના તળાવામાં ન્‍હાવા જતાં ડૂબી જવાથી મોત નિપજ્‍યું છે. રવિવારની રજા હોઇ આઠ દસ મિત્રો ન્‍હાવાની મજા માણવા ગયા હતાં ત્‍યારે આ કરૂણ દૂર્ઘટનામાં પરિવારના એકના એક પુત્રનો ભોગ લેવાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નીકાવાના અવધ નમકીનમાં ગાડી લોડીંગ કરાવવાની નોકરી કરતો અને ત્‍યાંના ક્‍વાર્ટરમાં જ રહેતો દેવ કરસનભાઇ ભરડા (ઉ.વ.૧૮) ગઇકાલે નજીકના પીપરી ગામે બીજા સાત આઠ કર્મચારી મિત્રો સાથે તળાવામાં ન્‍હાવા ગયો હતો. જેમાં દેવ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં સાથેના મિત્રોએ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી બેભાન હાલતમાં દેવને બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા, રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇએ કરતાં કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર દેવ એક બહેનથી નાનો અને વિધવા માતાનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો. તે બે મહિના પહેલા જ અવધ નમકીનમાં નોકરી કરવા આવ્‍યો હતો. યુવાન અને આધારસ્‍તંભ દિકરાના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. પોસ્‍ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધી માટે વતન કુકસવાડા લઇ જવાયો હતો.

(12:45 PM IST)