તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
૪૨ વર્ષ પછી ૧૮મીથી પૂ. મોરારીબાપુની ગોંડલમાં શ્રીરામ કથા
એક સાથે ૨૫ હજાર ભાવિકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા કરાશે : શ્રોતાઓ માટે વાતાનુ કૂલિત વિશાળ ડોમ ઉભા કરાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩ : અત્રેના જેતપુર રોડ પર આવેલા દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પૂ. મોરારીબાપુ કંઠે શ્રી રામકથાનું આયોજન તા.૧૮ મે થી તા.૨૬ મે દરમિયાન કરાયું છે.
ગોંડલની પ્રાચીન અને પ્રસિધ્ધ વડવાળી જગ્યા લોહલંગરી ધામ દ્વારા મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત સીતારામબાપુ ની અધ્યક્ષતામાં ચેતનભાઈ કિશોરકુમાર સાંગાણી - યુગાન્ડાના સહયોગથી યોજાનાર રામકથામાં પ્રથમ દિવસે તા.૧૮ ને શનિવારે પોથીયાત્રા બપોરે એક વાગ્યે ભગવતપરા વાડવાળી જગ્યાથી વાજતે ગાજતે નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કથા સ્થળ દાસીજીવણ પાર્ટીપ્લોટ પહોંચશે ત્યારબાદ બપોરે ચાર થી સાત કથાનો પ્રારંભ થશે.
દરરોજ સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધી પૂ. મોરારીબાપુ તેમની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથારસપાન કરાવશે. ઉલ્લેખનીય છે કે ૪૨ વર્ષ બાદ મોરારીબાપુની ગોંડલમાં રામકથા યોજાવા જઈ રહી છે ત્યારે સેવકગણ તેમજ ગોંડલ તથા આસપાસની જનતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગોંડલ ખાતે શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ મુકામે પૂ. મોરારીબાપુ ની રામકથામાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી મોટી સંખ્યામાં સંતો મહંતો,સ્ત્રોતાઓ અને ભક્તો ઉપસ્થિત રહેશે આ માટે સુંદર બેઠક વ્યવસ્થા માટે વાતાનુકુલિત કથા મંડપ તેમજ દરરોજ એકીસાથે ૨૫ હજારથી વધુ લોકો પ્રસાદ લઇ શકે તે માટે મોટા ડોમમાં ભોજનાલયની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી સીતારામબાપુ એ જણાવ્યું હતું કે ૧૯૮૪માં વડવાળી જગ્યાના મહંત જમનાદાસબાપુ સેવા આપતા હતા અને તેમનો દ્રઢ સંકલ્પ હતો કે ગોંડલમાં પૂ.મોરારીબાપુની કથા કરવી છે જે આજે ૪૨ વર્ષ બાદ ગુરૂ મહારાજ ની કળપા અને આશીર્વાદથી સાર્થક થયો હતો. મોરારીબાપુની રામકથાનાં આયોજનને લ ને નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ પુ.સીતારામબાપુની અધ્યક્ષતામાં શહેરની વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિઓ નાં આગેવાનોની યોજેલી બેઠકમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનોએ રામકથા દરમિયાન આયોજનમાં સહભાગી બની સેવા આપવા તત્પરતા દાખવી ખાત્રી આપી હતી.ગોંડલમાં ૪૨ વર્ષ પહેલા મોરારીબાપુની કથાનું આયોજન સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં થયું હતુ. ત્યારે ૪૨ વર્ષ બાદ આયોજન કરાયુ હોય શહેરભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
