<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મોરબીમાં ખાટલો વિજ વાયરમાં ટીંગાઇ ગયોઃ કેબીન ઉંધે કાંધ પડી

વાવાઝોડા, ધુળની ડમરી સાથે મીની વાવાઝોડુ ફુંકાતા ભર ઉનાળે ચોમાસુઃ ધોળા દિવસે વાહનોમાં લાઇટ ચાલુ રાખવી પડી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૪: મોરબી પંથકમાં ગઇકાલે સાંજે ભરઉનાળે જ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. સાંજના અરસામાં મોરબી શહેર અને આસપાસના વિસ્‍તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ઉપરાંત ઘણી જગ્‍યાએ કરા પણ પડયા હતા.

મોરબી જિલ્લાના અનેક વિસ્‍તારોમાં સાંજે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. મોરબી શહેર, સામાકાઠે ઉપરાંત આસપાસના વિસ્‍તારોમાં પણ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા હતા. ઓચિંતા આવેલા વરસાદે રોડ રસ્‍તા ઉપર પાણી ફરી વળ્‍યા હતા. આ ઉપરાંત અનેક વિસ્‍તારોમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ છે.

 મોરબી શહેરમાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. ભારે પવન ફૂંકવાનું શરુ થયું હતું અને ધૂળની ડમરી ઉડી હતી જેથી મીની વાવાઝોડા જેવા દ્રશ્‍યો સર્જાયા હતા અચાનક ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો.

હવામાન વિભાગે રાજ્‍યના અનેક વિસ્‍તારમાં તા. ૧૨ થી ૧૬ દરમિયાન વરસાદની આગાહી કરી હતી જે આગાહી મુજબ આજે સાંજના સુમારે મોરબીમાં ઓચિંતું વાતાવરણ પલટાયું હતું સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્‍યો હતો અને વાદળછાયું વાતાવરણ થયા બાદ ધૂળની ડમરી ઉડવા લાગી હતી ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી મોરબી શહેર ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્‍યા હતા ટંકારાના સજનપર ગામે વરસાદી ઝાપટું વરસ્‍યું હતું  મોરબી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્‍યો, ધૂળની ડમરી ઉડી-સજનપરમાં વરસાદ.

 મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આજે સાંજના અરસામાં વાતાવરણમાં પલટો આવ્‍યો છે. આ વિસ્‍તારમાં કરા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મીની વાવાઝોડું હોય તેવો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ રબારી વાસમાં આજે સાંજે ભારે પવનને કારણે એક વળક્ષ ધરાશાયી થયું છે. આ વળક્ષ વીજ તાર ઉપર પડતા વીજ તારને પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે અચાનક ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા અનેક જગ્‍યાએ નાનું મોટું નુકસાન સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિરામિક ઝોનમાં પતરા ઉડયા

મોરબીમાં  સોમવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે તેજ પવનની આંધી ફૂકાઇ હતી. અને અમુક વિસ્‍તારોમા વરસાદ પણ પડ્‍યો હતો. મોરબીનાં સિરામિક ઝોનમાં વાવાઝોડા સમાન તેજ પવનની આંધીથી અમુક સિરામિક કંપનીના શેડના પતરા ઊડી ગયા હતા.

 મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. મોરબી-હળવદ રોડ પર આંધીના ભયંકર દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. રોડ પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકોને મુશ્‍કેલી ઉભી થઈ હતી. રોડ પર જાણે આંધી તોફાન આવ્‍યું હોય તેવા બિહામણા દ્રશ્‍યો સર્જાયા હતા. આંધી એટલી ભયંકર હતી કે થોડે દૂર જોવું પણ મુશ્‍કેલ બન્‍યું હતું. જેના કારણે વાહનચાલકોને ધોળા દિવસે વાહનની લાઈટ ચાલુ કરવી પડી હતી.

આ આંધીમાં નવાગામ રોડ પર આવેલી પેપર મિલના શેડના પતરા ઉડ્‍યા હતા. તેમજ માટેલ રોડ, સરતાનપર રોડ, પાનેલી રોડ, હળવદ રોડ સહિતના સિરામિક ઝોનમાં તેજ પવન ફુંકાવાનાં કારણે અમુક કારખાનામાં પતરા ઉડયાનાં સમાચાર મળી રહ્યા છે.

પીપળો ધરાશાયી, વીજળી ગુલ

મોરબીમાં સાંજથી ભારે પવન અને વરસાદના કારણે અલગ અલગ વિસ્‍તારમાં ઘણું નુકસાન થયું છે. ત્‍યારે નાગનાથ શેરી અને દરબાર ગઢ રોડ પર પીપળો ધરાશાયી થતા શેરીઓ બંધ થઇ ગઈ હતી. આ સાથે ત્‍યાં વીજળીના તાર પણ તૂટી જતા વિસ્‍તારમાં અંધારપટ્ટ   છવાયો હતો.

મોરબીમાં  એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ

મોરબીમાં ગઈકાલે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્‍યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં અડધો જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્‍યો હતો.

જ્‍યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી પ્રમાણે મોરબી સામાંકાંઠે ૮ મિમી, ટંકારામાં ૫ મિમી, માળિયામાં ૯ મિમી અને વાંકાનેરમાં ૧૮ મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભરઉનાળે મોરબી જિલ્લામાં ચોમાસા માફક મેઘરાજાએ સટાસટી બોલાવતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા.

મોરબીમાં વાવાઝોડાના કારણે અનેક વસ્‍તુઓ હવામાં ઊડતી નજરે પડી હતી. ત્‍યારે પંચાસર રોડ ઉપર એક ખાટલો હવામાં ઉડી વીજ વાયરમાં ફસાયો હોવાનો વિચિત્ર બનાવ પણ બન્‍યો હતો.

મોરબીના પંચાસર રોડ ઉપર ભારે પવનના કારણે છત ઉપર મુકેલો ખાટલો હવામાં ઉડી ગયો હતો. આ ખાટલો બાદમાં નીચે આવ્‍યો પણ વીજ વાયર ઉપર તેનો પાયો ફસાઈ જતા લટકતો જોવા મળી રહ્યો હતો. આ દ્રશ્‍ય જોઈને સ્‍થાનિકો  પણ અચરજમાં મુકાઈ ગયા છે.

 મોરબીમાં ગઈકાલે સાંજે એકાએક વાવાઝોડા સાથે વરસાદ પડતાં અનેક જગ્‍યાએ નુકસાન થયું છે. જેમાં વાવડી રોડ ઉપરના એક એપાર્ટમેન્‍ટના અગાસીએ મુકવામાં આવેલ પાણીનો ટાકો વાવાઝોડાને કારણે તણખલાની જેમ ઉડી ગયો હતો. આ ટાંકો નીચે એક કાર ઉપર પડ્‍યો હતો. સદનશીબે આ વેળાએ કાર પાસે કોઈ ન હતું.

 મોરબીમાં  સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્‍થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ હતી. આ ઉપરાંત  ટેબલ ખુરશી પણ વિખેરાઈ ગઈ હતી. જ્‍યારે અન્‍ય ખાણી પીણીના ધંધાર્થીઓએ પણ પોતાની કેબિન અને માલ સામાન મહામહેનતે બચાવ્‍યો હતો.

 વાહનનો થપ્‍પા લાગ્‍યા

 મોરબી શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા. અચાનક આવેલા વરસાદ બાદ રસ્‍તાઓ અને વિસ્‍તારોમાં પાણી ભરવાના કારણે ટ્રાફિક જામની સમસ્‍યા સર્જાઈ હતી. મોરબીનાં મોટાભાગના મુખ્‍ય માર્ગો પર વરસાદ બાદ ટ્રાફિક જામ જોવા મળ્‍યો હતો. જ્‍યારે મોરબીમાં ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાતા મોટાભાગની બજાર પણ વેહલી બંધ થઈ ગઈ હતી. અને વરસાદમાં અટવાયેલા લોકો વાહનો સાથે પોતાના ઘરે જવા નીકળ્‍યા ટ્રાફિક જામની સ્‍થિતિ જોવા મળી હતી. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા આવી કપરી સ્‍થિતિમાં પણ ટ્રાફિક કલિયર કરવા ભારે જેહમત ઉઠાવી હતી.

 ઠેર ઠેર પાણી ભરાયાં

 મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના વિસ્‍તારોમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો બાદ ભારે પવન સાથે ઠેર ઠેર બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્‍યો હતો. સતત ભારે વરસાદના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો. તેમજ તેજ પવનના કારણે અનેક જગ્‍યા વળક્ષો ધરાશાઈ થયા હતા. તેમજ અમુક જગ્‍યાએ વીજળી પડયાની પણ શકયતા છે.

મોરબીમાં મીની વાવાઝોડા સાથે તેજ પવન અને વરસાદથી થોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાંજે ભારે વરસાદના કારણ અનેક લોકોને અને ખાસ કરીને કામ કાજે બહાર રહેલા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો હતો. વરસાદની સાથે બરફના કરા પણ પડ્‍યો હ્યા. તેમજ ભારે પવનના કારણે શનાળા રોડ, વીસી ફાટક પાસે, રબારી વાસ સહિતના વિસ્‍તારોમાં વળક્ષો પણ ધરાશાઈ થયા હતા. રસ્‍તા પર ધરાશાઈ વળક્ષોના  કારણે ટ્રાફિક જામ થતાં વળક્ષો હટાવવાના પોલીસ, ફાયર સહિતની ટીમો કામે લાગી હતી.

જ્‍યારે ભારે વરસાદના પગલે મોરબીનાં નીચાણવાળા વિસ્‍તારો અને રસ્‍તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ હતી. જ્‍યારે ચાલુ વરસાદે વીજળીના થયેલા ચમકારા અને કડાકા ભર્યા અવાજથી અમુક જગ્‍યાએ શહેરમાં વીજળી પડ્‍યાનું પણ અનુમાન છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી મળી. તેમજ કોઈ જાન માલના નુકસાનીના સમાચાર આવ્‍યા નથી.

(11:52 AM IST)