તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Tuesday, 14th May 2024
રવની બેવડી હત્યા કેસના આરોપીઓ અંગે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ
હત્યારાઓનું લોકેશન મેળવવા ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા કવાયત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: રવની બેવડી હત્યા કેસના આરોપીઓ અંગે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ૫૦થી વધુ વ્યકિતના નિવેદન લેવામાં આવ્યા છે. સર્વેલન્સ ટીમ દ્વારા તલાશ કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસ આરોપીઓ સુધી પહોંચી નથી આમ છતાં હત્યારાઓને ગમે ત્યાંથી પણ શોધી કાઢવા પોલીસ મક્કમ રીતે આગળ વધી રહી છે.
વંથલી તાલુકાના રવની ગામના રફીક આમદભાઈ સાંધ અને તેના ૧૮ વર્ષીય પુત્ર જીહાલની ફાયરિંગ અને પાઇપ, લાકડી વડે મરણતોલ હુમલો કરી શનિવારની રાત્રે હત્યા નિપજાવીને ઝાંપોદડ ગામનાં રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ સહિત ૭ શખ્સો નાસી ગયા હતા. બેવડી હત્યાના આરોપીઓની ધરપકડ માટે પોલીસની ૭ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ પોલીસના હાથ હત્યા કાંડના ૩ દિવસ બાદ હત્યારાઓ સુધી પહોંચ્યા નથી.
કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કર ના માર્ગદર્શનમાં આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી તેમજ રવનીના હુસેન અલારખા, જુમા હબીબ, હનીફ ઇસ્માઈલ, અબ્દુલ, ઇબ્રાહીમ, ઇસ્માઈલ ઇબ્રાહીમ અને પોલાભાઈ યુસુફનું લોકેશન મેળવવા ટેકનિકલ સર્વેલન્સ ટીમ કામે લાગી છે.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ જે. જે. પટેલ, એસઓજીના પીઆઈ પી. કે. ચાવડાની ૨-૨ ટીમ દ્વારા ગીર સોમનાથ, સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ આરોપીઓના આશ્રય સ્થાનની શકયતા વાળી જગ્યાએ
તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વંથલી પીએસઆઇ વાય. બી. રાણા અને તેમની બે ટીમ દ્વારા ૫૦થી વ્યક્તિના નિવેદન લઇ હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
