News of Tuesday, 14th May 2024
જામનગર નજીક સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટરની લંપટ લીલા...
જોડિયા પોલીસ મથકમાં લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકો સાથે જાતીય સતામણી ના કાયદા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૨ વર્ષના બે બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ : ભારે ચકચાર

પ્રથમ તસ્વીરમાં ડીવાયએસપી આર. બી. દેવધા તથા બીજી તસ્વીરમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નજરે પડે છે. (તસ્વીરઃ સંજય ડાંગર, ધ્રોલ)
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૪: જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા ૧૨ વર્ષના બે બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાની ધટનાથી ખળભળાટ મચી ગયો છે.
સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે આ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોડીયા પંથકમાં આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ કે જેમાં ૧૨ વર્ષની ઉંમરના બે બાળ વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને અભ્યાસ કરે છે, તેની સાથે સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પવનકુમાર જગદીશ કુમાર ડાંગી એ અજુગતું વર્તન કર્યું હોવાનો મામલો સૈનિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો .
બેન્ડ માસ્ટરે બંને બાળ વિદ્યાર્થીઓ સાથે ગત ૭.૫.૨૦૨૪ થી ૧૨.૫.૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન શારીરિક અડપલા કર્યા હોવાની અને બાળકોની જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ સ્કૂલના આજેથી સૈનિક સ્કૂલના આચાર્ય દ્વારા સમગ્ર મામલાને જોડિયા પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને બેન્ડ માસ્ટર પવન કુમાર જગદીશ કુમાર ડાંગી સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬-૨ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ -૮ મુજબ ગુનો નોંધ્યો છે.
આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે જામનગર ગ્રામ્યના ડી.વાય.એસ.પી. આર. બી. દેવધાએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જે ફરિયાદ અંગે જોડીયા પી.એસ.આઇ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
