<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

મોરબીના પાનેલી નજીક નવનિર્મિત જીઆઈડીસીની માપણી ખોટી ? ગ્રામજનોના આક્ષેપ.

પાનેલી અને જાબુંડિયાના ગ્રામજનો આક્ષેપના પોટલા સાથે બે રોડ અને એક તળાવ ગાયબ કરી તેમજ વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેવાયો હોવાની રાવ

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી પંથકમાં જીઆઇડીસી માટે બોગસ માપણીસીટ બનાવ્યાના આક્ષેપ સાથે પાનેલી અને જાબુંડિયાના ગ્રામજનો આક્ષેપના પોટલા સાથે બે રોડ અને એક તળાવ ગાયબ કરી તેમજ વરસાદી પાણીનો નિકાલ બંધ કરી દેવાયો હોવાની રાવ સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે.

   જીઆઇડીસીને ઔદ્યોગિક વસાહત બનાવવા માટે તંત્ર દ્વારા પાનેલીની ૧૪૦ પૈકી ૨  અને જાબુંડીયાની ૧૪૬ પૈકીની જમીન આપવામાં આવી છે. આ જમીન બોગસ માપણી સીટને આધારે અપાઈ છે. જેથી બન્ને ગ્રામજનોએ તેની સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે.તેઓએ ઉમેર્યું કે ડીઆઈએલઆર દ્વારા ટિપ્પણના વિરુદ્ધ માપણી સીટ બનાવવામાં આવી છે. જેમાં પાણીનો નિકાલ બંધ થઈ જાય છે. ઉપરાંત પાનેલી- જાબુંડીયા – શોભેશ્વર અને પાનેલી – ઘુટુ – લખધીરપુર આ બે રાજાશાહી વખતના રસ્તાઓ માપણી સીટમાં દર્શાવ્યા જ નથી. ખાનગી ખેતર જે કેટલ બ્રિડિંગ ફાર્મ માટે આપવામાં આવ્યા હતા. હવે તે નિગમ બંધ થઈ ગયુ છે જેથી ખેડૂતને જમીન પરત ન આપવી પડે એટલે આ જમીન પણ માપણી સીટમાં બતાવી દેવામાં આવી હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી.
  
પાનેલીનું ગામતળ ૧૯૯૩માં મંજુર થયું હતું. તે પણ જીઆઇડીસીમાં બતાવી દીધું છે. ગામ નાનુમા નં.1 અને 6માં જાબુંડિયાના પશુધનના ચારા માટે વીડી તરીકે જે જમીન હતી. તેને ખરાબો દર્શાવી જીઆઇડીસીને આપી દેવામાં આવી છે. પાનેલીનું તળાવ પણ માપણી સીટમાં બતાવવામાં આવ્યું નથી. જો તળાવ બતાવવામાં આવે તો નિયમ મુજબ ઉદ્યોગોએ 100 મીટર ત્રીજીયા છોડવી પડે. પણ આ જગ્યા છોડવી ન પડે અને તળાવમાં વેસ્ટેજ ઠાલવી શકાય તે માટે તળાવ જ માપણી સીટમાં ગાયબ કરી નાખવામાં આવ્યું છે.
  તો આ મામલે પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું કે જીઆઈડીસી મામલે જે રજૂઆત હતી તે સાંભળી છે જે સંબધિત વિભાગોને સ્થળ મુલકાત લઈને અહેવાલ રજુ કરવા સુચના આપવામાં આવી છે.

(1:02 AM IST)