News of Friday, 17th May 2024
બામણબોર જીઆઇડીસીમાં ૭૭૦ કિલો કાસ્ટીંગ બ્લોકની ચોરીઃ કર્મચારી સીસીટીવીમાં દેખાયો
વેસ્ટેજનો નિકાલ ટ્રેકટર મારફત કરતી વખતે સાથે બ્લોક પણ ભરી ગયોઃ નવાગામના નિતેશ જેસાણી વિરૂધ્ધ એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: બામણબોર જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં બુધવારે રજા હોઇ એ દરમિયાન ૭૭૦ કિલો લોખંડના કાસ્ટીંગ બ્લોક ચોરાઇ જતાં તપાસ કરતાં આ ચોરી કંપનીમાં મજૂરીએ આવતાં બામણબોરના શખ્સે જ કરી હોવાનું સીસીટીવીમાં દેખાતાં પોલીસને જાણ કરાઇ હતી. આ બનાવમાં એરપોર્ટ પોલીસે રાજકોટ સાધુ વાસવાણી રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટ બ્લોક સી-૮૦૨માં રહેતાં અને બામણબોર જીઆઇડીસીમાં કોટેચા સ્ટીલ પ્રા.લિ. નામે કંપની ચલાવતાં ભાવેશભાઇ જયંતિભાઇ પાબારી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી નવાગામ બામણબોરમાં રહેતાં અને આ કંપનીમાં મજૂરી કામ કરતાં નિતેષ રામેશભાઇ જેસાણી વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે.ભાવેશભાઇ પાબારીએ જણાવ્યુ઼ હતું કે અમારી કંપનીમાં ૧૫મીએ બુધવારે રજાનો દિવસ હતો. ૧૬મીએ મને કંપનીના એચ.આર. સમીરસિંહ રાઠોડે વાત કરી હતી કે કંપનીના પેકીંગ ડિપાર્ટમેન્ટમાં રહેલા કાસ્ટીંગના બ્લોકના સેમ્પલ ગોળ અને ચોરસ એમ બંને ગાયબ છે. આથી હું તથા સમીરસિ઼હ ક્વોલીટી મેનેજર સંજીવભાઇ બાકુ સહિતે તપાસ કરતાં કુલ ૧૬૭ કાસ્ટીંગ બ્લોક લોખંડના જેનું વજન ૭૭૦ કિલો અને કિમત ૨૭ હજાર થાય છે તે ગૂમ હોઇ ચોરી થયાનું જણાતાં અમે સીસીટીવી કેમેરા ચેક કરતાં કર્મચારી નિતેશ જેસાણી ૧૫મીએ બપોરે પોણા ત્રણેક વાગ્યે કારખાનામાં આવી ટ્રેકટરમાં વેસ્ટેજ નાખવા જવાનો હોઇ તેની સાથે સાથે કાસ્ટીંગ બ્લોક પણ ટ્રેકટરમાં નાખીને ચોરી જતો દેખાયો હતો.
એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીતની રાહબરીમાં પીએસઆઇ એ. કે. રાઠોડે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ કરી હતી.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
