તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ભુવાએ ડામ દીધા બાદ જોરાવનગરની ત્રણ માસની બાળાનું મોતઃ ગુનો નોંધવા તજવીજ
બાળા બિમાર હોઇ પરિવારજનો હોસ્પિટલના બદલે ભુવા પાસે લઇ ગયા હતાં: બાળાનું રાજકોટમાં મોત થયું

રાજકોટ તા. ૨૦: સુરેન્દ્રનગર જીલ્લામાં અંધશ્રધ્ધાને ઉજાગર કરતા બનાવો અગાઉ પણ બની ચુકયા છે ત્યારે ફરી એકવખત જીલ્લામાં ચકચાર મચાવી દેનાર બનાવ બન્યો છે જેમાં સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતી ત્રણ મહિનાની બાળકી બીમાર હોવાથી પરિવારજનો તેને હોસ્પીટલને બદલે ભુવા પાસે લઈ જતા ભુવાએ માસુમ બાળકીના શરીર ઉપર ડામ દેતા બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. ભગવતી રમેશભાઈ બાંભણીયા નામની ૩ મહિનાની આ બાળાનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જોરાવરનગર પોલીસ આગળ કાર્યવાહી કરશે.
જાણવા મળ્યા મુજબ જોરાવરનગર ખાતે રેલ્વે ફાટક પાસે ઝુંપડપટ્ટીમાં રહેતો અને મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ત્રણ મહિનાની બાળકીની તબીયત લથડી હતી. આથી પરિવારજનો બાળકીને ભુવા પાસે લઈ ગયા હતા પરંતુ તબીયતમાં સુધારો ન થતાં બાળકીને સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે તેમજ ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકીને તપાસ કરતા શરીર પર ડામના નીશાન જોઈ તેમજ વધુ તબીયત લથડતી હોવાનું જણાઈ આવતાં બાળકીને રાજકોટ હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી.
આ પછી પરિવારજનો તાત્કાલીક બાળકીને એમ્બ્યુલન્સ મારફતે સુરેન્દ્રનગરથી રાજકોટ હોસ્પીટલ લઈ આવ્યા હતા જ્યાં બાળકોના વિભાગમાં દાખલ કરી સારવાર આપવાનું શરૂ કર્યું હતું જે મામલે રાજકોટ ઝાનના હોસ્પિટલ દ્વારા એ ડીવીઝનમાં નોંધ કરાવતાં જોરાવરનગર પોલીસને જાણ કરાઈ હતી. બાળકીના પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકીના પિતાને ગંભીર બીમારી છે તેમજ બાળકી પણ છેલ્લા ઘણા સમયથી બિમાર હોય પિતાની બિમારીની અસર થતા હોસ્પીટલે લઈ જતા પહેલા માતાજીની અગરબત્તી ફેરવતા શરીર પર પડી હતી. આથી બાળકીના શરીર પર ડામ જેવું નિશાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આથી માસુમ બાળકીને ભુવા દ્વારા અગરબત્તીના ડામ દીધા હોવાની વાતો વહેતી થઈ હતી. આ મામલે જોરાવરનગર પોલીસમાં પણ આરંભે કોઈ નોંધ નહોતી. પણ હવે બાળકીનું મોત થતા પોલીસને જાણ કરવામાં આવતાં જોરાવરનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
