<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

શ્રી રામ કથાને કોઇ સીમા નથી, તે અનંત છે : પૂ. મોરારીબાપુ

ગોંડલમા આયોજીત ‘માનસ રામકથા'નો આજે ત્રીજો દિવસ : પૂ. લોહલંગરીબાપુની ચૈતન્‍ય સમાધી સહિત ગોંડલ સિધ્‍ધપૂરૂષોની ભૂમિ છે : શ્રી રામ કથાનો મોટી સંખ્‍યામાં લાભ લેતા ભાવિકો

ગોંડલ : પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને આયોજીત શ્રી રામકથાની તસ્‍વીરી ઝલક. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૦ : ગોંડલમાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને શનિવારથી ‘માનસ રામકથા'નો પ્રારંભ થયો છે. શ્રી રામ કથાનો આજે ત્રીજો દિવસ છે.

ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્‍લોટ ખાતે આજથી રામાયણી પુ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ કરાયો હતો. કથાનાં પ્રથમ દીવસે જ ૨૫ હજારની ક્ષમતા સાથેનો ડોમ શ્રોતાઓથી ભરચક બન્‍યો હતો.

મોરારીબાપુ એ કથાનાં પ્રારંભ માં આયોજક વડવાળી જગ્‍યા લોહલંગધામ અંગે કહ્યુ કે અહી પુ.લોહલંગરીબાપુ ની ચૈતન્‍ય સમાધી છે.ગોંડલની ભુમી પ્રગટ અપ્રગટ ચેતનાઓથી ભરેલી પાવન ભુમી છે. સિધ્‍ધપુરૂષોની ભુમી છે. આ સાથે મોરારીબાપુ એ વ્‍યાસપીઠ પરથી ગોંડલ નરેશ સર ભગવતસિંહને યાદ કરી રાજતંત્ર માં મોટું લોકતંત્ર કામ કરતું હતુ. તેવું કહી સર ભગવતસિહને બત્રીસલક્ષણો રાજવી કહી નમન કર્યુ હતું.

તેમણે  ગોંડલની રામકથાને માનસ રામકથા નામ આપી કહ્યુ કે રામચરીત માનસનો સાર રામ છે.તે વેદમય છે. બ્રહ્મમય છે. રામકથામાં આત્‍માની કલા રહેલી છે. દુનિયાનાં પ્રાણી માત્રનું જીવન દર્શન રામાયણમાં છે. તુલશીદાસજીએ રામાયણને સાત ભાગમાં ગોઠવી છે.

તેમણે લોહલંગધામમાં ચાલી રહેલા અંદાજે પાંચસો વર્ષ જુના અન્નક્ષેત્રનો ઉલ્લેખ કરી દ્રષ્ટાંત સાથે કહ્યુ કે બ્રાહ્મણની ઓળખ તેના ચહેરા અને વાણીથી, ક્ષત્રીયની ઓળખ તેની ભુજાઓથી વૈશ્‍યની ઓળખ તેના પેટ થી અને સાધુની ઓળખ તેની સેવાથી થાય, સાધુ જીવનનાં ગાડા ખેચે છે.

તેમણે કહ્યુ કે હું અહી પારેવાને ચણ નાખવા આવ્‍યો છુ. યુગાન્‍ડાનાં મનોરથી ચેતનભાઈ સાંગાણી એ સઘળી ચિંતા અને વ્‍યવસ્‍થા સંભાળી લીધી છે. ત્‍યારે ગોંડલ ઘુવાળાબંધ જમવા આવે એવી મારી લાગણી છે.

પુ.મોરારીબાપુએ લોહલંગધામ અન્નક્ષેત્ર માં રુ.સવાલાખ નું દાન જાહેર કરી વ્‍યાસપીઠ પરથી સવાલાખનું તુલશીપત્ર અર્પણ કરૂ છુ તેવું જણાવ્‍યું હતુ.

કથાનો પ્રારંભ કેન્‍દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતોએ દિપ પ્રાગટય દ્વારા કરાવ્‍યો હતો. કથા પુર્વે બપોર એક વાગ્‍યે ભગવતપરા લોહલંગધામથી સંતો મહંતો અને શહેરીજનોની વિશાળ હાજરી વચ્‍ચે પોથીયાત્રા નીકળી હતી. જે રાજમાર્ગોપર ફરી કથા સ્‍થળ દાસીજીવણ પાર્ટીપ્‍લોટ ખાતે પંહોચી હતી. બાદમાં પુ.બાપુની કથાનો પ્રારંભ થયો હતો. ૪૩ ડીગ્રી તાપમાન વચ્‍ચે પણ લોકો રામકથા શ્રવણ માટે ઉમટી પડ્‍યા હતા.

 માનસ રામકથાનાં બીજા દીવસે પુ.મોરારીબાપુ એ કથાને મર્મ સમજાવતાં કહ્યુ કે રામકથા બ્રહ્મ છે. તુલસીદાસજીની રામકથા અરણી મંથન છે. રામકથાને કોઈ સીમા નથી તે અનંત છે.

તેમણે આજે પણ મહારાજા ભગવતસિંહને યાદ કરી ભગવદ ગૌમંડલ અંગે કહ્યુ કે શબ્‍દનાં અનેક પર્યાય ભગવદ ગૌમંડલમાં લખાયા છે. આપણે કોટી શબ્‍દનો પ્રયોગ કરતા હોઇએ. ભગવદ ગૌમંડલમાં કોટી એટલે હજાર, ગતી,જથ્‍થો, સમુહ, જાતી, પદવી, પ્રમાણ, શ્રેષ્ઠતા, સંજ્ઞા સહિત અર્થ દર્શાવાયા છે.

મોરારીબાપુ એ કહ્યુ કે હું અહીયા ણામ કરવા આવ્‍યો છુ. પ્રવચન કરવા નહી. ગોંડલનાં બેતાળાને કાઢવા ૪૨ વર્ષે રામકથા આવી છે.

હું અહી જ્ઞાનનાં ઓરડા સાફ કરવા અને પોતા મારવાં આવ્‍યો છુ. ગોંડલની કથા કર્ણોત્‍સવ છે. વર્ણોત્‍સવ છે.

મોરારીબાપુ એ સત્‍ય, પ્રેમ અને કરૂણા અંગે કહ્યુ કે સત્‍યને શપથની જરૂર નથી. પ્રેમને અર્થની જરૂર નથી.અને કરૂણાને ગરજ ની જરૂર નથી. લોકોને પ્રેમનાં પ્રકારની ખબર છે પણ પ્રેમની ખબર નથી. પ્રેમ તો જુનાગઢનો નરસૈયો કરી જાણ્‍યો.

તેમણે કહ્યુ કે જે માતા પિતાને દેવ માને, ગુરૂને દેવ માને તેને ત્‍યાં અતિથિ આવે. કારણ ત્‍યાં અતિથી દેવોભવની પરંપરા નિભાવાય છે.

ભગવાને આપણને જે વેષ આવ્‍યો છે તે ભજવવાનો જ છે.પણ આપણે તે ભજવતા નથી. પછી તે દુખનું કારણ બનેછે.

કાળ ક્રીડા કરેછે. રમવા આવેછે. જો હારી ગયાતો પુરૂ. જે રામ ભજન કરેછે. તે કાળ સામે રમી શકે છે.

ગુરૂ પરંપરા અંગે તેમણે કહ્યું કે જો ગુરૂ પરંપરાને માનતા હોતો અહંકાર ના કરવો, ગુરૂની આજ્ઞા માનવી અને ખોટું નાં બોલવું. નહીતો આ ત્રણ અપરાધ છે.

મોરારી બાપુએ રામચરીત માનસ અંગે કહ્યુ કે યુગો પહેલા ભગવાન શિવજીએ રામચરીત માનસની રચના કરી હતી. માનસ એટલે હદય. તેમણે રામકથા હદયસ્‍થ કરી હતી.  આદીથી અંત સુધી કેવળ રામ છે. શિવજીનો મહામંત્ર અને બીજમંત્ર રામ છે. વાલ્‍મીકી આદી કવિ છે. તો શિવજી અનાદિ કવિ છે.

પુ.મોરારીબાપુએ ગોંડલને તપોભુમી કહી આજે ફરી વંદન કર્યા હતા. ગોંડલની વિશિષ્ટતા સાથે ગોંડલ નાં મરચાને પણ યાદ કરી મનોરથી ચેતનભાઈને કહ્યુ કે ભાવીકોને ભોજનમાં મરચાનાં ભજીયા ખવરાવજો.

રામકથાનાં બીજા દીવસે પણ વાતાનુકુલિત ડોમ શ્રોતાઓથી ભરચક બન્‍યો હતો.

(11:10 AM IST)