<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઓણસાલ ચોમાસુ વહેલુ... પણ કેટલું ?

હજુ આ માસાંત સુધી કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૨૦ : જૂન માસનો પ્રારંભ થતાં જ કેરળ રાજ્‍યમાં મોન્‍સુનનું આગમન થઇ જતું હોય છે. પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓણસાલ ચારેક દિવસ વહેલા ચોમાસાનો પ્રારંભ થશે તેવી જાહેરાત બે દિ' પહેલા જ કરાઇ ચુકી છે. જો કે આવતીકાલથી આઇએમડીના ફોરકાસ્‍ટ મેપ્‍સમાં જ કેરળમાં ભારેથી અતિભારે વરસાદી પ્રારંભ શરૂ થઇ રહ્યો છે. બાદમાં ક્રમશઃ વરસાદી માહોલ દક્ષિણના કાંઠાળ રાજ્‍યોથી ઉત્તર તરફ આગળ ધપતો રહેશે. ફોરકાસ્‍ટ મેપ મુજબ આ મે માસના અંત સુધીમાં ગોવા - મુંબઇથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ છવાઇ જવાનું દર્શાવાઇ રહ્યું છે.

ગુજરાતમાં જુનની મધ્‍યને બદલે આ વેળા જુનના પ્રારંભે જ ચોમાસુ માહોલ છવાઇ જવાની શક્‍યતાને નકારી શકાતી નથી. સંભવ છે કે, આઇએમડી ફરી એક વખત અગાઉ દર્શાવેલ મોન્‍સુન ૨૦૨૪ના સમયપત્રકમાં સુધારો કરી થોડુ હજુ વહેલુ ચોમાસુ કેરળમાં શરૂ થયાનું જાહેર કરી શકે છે.

ગુજરાત - રાજસ્‍થાન - મધ્‍ય તથા આસપાસના રાજ્‍યોમાં ગરમીનું પ્રમાણ અર્થાત કાળઝાળ ગરમીની અવસ્‍થા હજુ આ માસાંત સુધી જળવાઇ રહેવાની સંભાવના રહે છે.

(11:37 AM IST)