તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કચ્છના કરમરિયામા ધોમધખતા તાપ વચ્ચે સંત દ્વારા અતિ ઉગ્ર અગ્નિ તપસ્યા
૨૧ દિ' ચાલશે, શૂરાપૂરા દાદાના મંદિરે દરરોજ બે ટ્રેકટર ભરીને છાણાંનો અગ્નિ પ્રગટાવી વચ્ચે બેસી અન્ન જળ ત્યાગી ખુલ્લા દિલે કંતાનની પોતડી પહેરી સાધના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૦ : ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં એક બાજુ માનવીઓ અને પશુ પંખી સહિતનું સમગ્ર જન જીવન કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. બીજી બાજુ કચ્છમાં આવા ૪૪ ડિગ્રીના ધોમધખતા તાપમાં આકરી તપસ્યા દ્વારા ફક્કડ સંતે અતિ ઉગ્ર એવી અગ્નિ તપસ્યા આરંભી છે. કચ્છના ભચાઉ તા.ના કરમરિયા ગામે શૂરાપૂરા દાદાના સાંનિધ્યમાં મૂળ ખાંડવા જિલ્લામાંથી આવતા ફક્કડ સંત પંકજ મુનિએ વિશ્વ કલ્યાણ અર્થે ૨૧ દિવસીય ઉગ્ર અગ્નિ તપસ્યા આરંભી છે. આ તપસ્યા દરમ્યાન ગોળાકારમાં ગોઠવવામાં આવેલા ગાયના ગોબરમાંથી તૈયાર છાણાંઓમાં દિવસ દરમિયાન સતત અગ્નિને પ્રજ્વલિત રખાય છે. આ અગ્નિની મધ્યમા બિરાજમાન થઈ મુનિ મહારાજ પ્રખર તાપને સહન કરવાની તપસ્યા પર બેઠા છે. સામાન્ય વ્યક્તિ માટે જ્યાં ઘડીભર ઉભા રહેવું પણ કઠિન છે ત્યાં મુનિદેવ સવારથી સંધ્યાકાળ સુધી અન્નજળ વિના ખુલ્લા દિલે કંતાનની પોતડી પહેરીને અનોખી સાધના કરી રહ્યા છે. મંદિરના ભુવાજી અને ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ મુનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુનિ મહારાજ દ્વારા કચ્છમાં આવી અત્યાર સુધીમાં ૧૧ વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે. આ પહેલા ભચાઉના એસઆરપી કેમ્પસ નજીકના મહાવીર હનુમાનજી મંદિર ખાતે પણ અગ્નિ તપસ્યા અને એકાશન તપસ્યા કરવામાં આવી હતી. તો શિયાળા દરમિયાન જળ સાધના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને એકાશન તપસ્યા અવિશ્વનિય સાધના કહી શકાય, આ સાધનામાં તેઓ ચારથી છ માસ સુધી અન્નજળ વિના એકજ અવસ્થામાં બેસી રહે છે. હાલ ચાલી રહેલી તપસ્યામાં દૈનિક બે ટ્રેક્ટર ભરીને છાણાંનો અગ્નિ પ્રજ્વલિત રાખવા ઉપયોગ કરાય છે. અત્યારે આકરા તાપમાનમાં અખંડ અગન જ્યોત વચ્ચે બેસી અગન સાધનાના દર્શન માટે સ્થાનિક ભાવિક ભક્તો સાથે આસપાસના ગામોમાંથી અને છેક રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી મનિદેવના સેવકો દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે. ભાવિકો અગ્નિ કુંડની શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરે છે. ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. રાત્રે ભજન સાથે સંતવાણી યોજાય છે. ગાયોને નિરણ અપાય છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
