<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જામનગરમાં ૮ માળીયા સરકારી આવાસની લિફટમાં એક જ પરિવારના ૯ વ્‍યકિતઓ ફસાઇ ગયા

ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્‍થળે દોડી જઇ ૧૦ મિનિટની જહેમત બાદ સર્વેને સલામત રીતે બહાર કાઢી લેતા હાશકારો પોલીસ હેડ કવાર્ટર પાછળ આવાસ યોજનાના મકાનમાં ૫૮૦ કિલો વજનની કેપેસીટીવાળી લિફટમાં એકસાથે ૯ લોકો સામાન સાથે લિફટમાં પ્રવેશતા ઓવરલોડ થવાથી ફસાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ : જામનગરમાં પોલીસ હેડક્‍વાર્ટર પાછળ ગોલ્‍ડન સીટી વિસ્‍તારમાં મહાનગરપાલિકા નિર્મિત આઠ માળીયા આવાસમાં રાત્રિના અઢી વાગ્‍યાના અરસામાં એક જ પરિવારના નવ વ્‍યક્‍તિઓ લિફટમાં ફસાઈ જતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ દરવાજાનો લોક ખોલી સર્વેને દસ મિનિટના સમયગાળા દરમિયાન સહી સલામત બહાર કાઢી લેતાં સર્વે એ હાશકારો અનુભવ્‍યો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પોલીસ હેડ ક્‍વાર્ટર પાછળ ગોલ્‍ડન સિટી વિસ્‍તારમાં મહાનગરપાલિકા દ્વારા આઠ માળીયા આવાસ બનાવાયા છે, જે બિલ્‍ડિંગમાં વસવાટ કરતો એક પરિવાર ગઈ રાત્રિના અઢી વાગ્‍યાના અરસામાં બહાર ગામથી જામનગર આવ્‍યો હતો, અને લિફટમાં ઉપર જવા માટે પ્રવેશ મેળવ્‍યો હતો.

 જે લિફટમાં એકી સાથે એક  પરિવારના નવ સભ્‍યો પોતાના સામાન સાથે ઉપર જવા માટે પ્રવેશ્‍યા હતા. જે લિફટ ચાલુ થયા પછી ઉપર જઈને સાતમા માળે અધવચ્‍ચે અટકી ગઈ હતી.

 જેથી લિફટમાં એકજ પરિવારના નવ સભ્‍યો હિરેન ભાઈ જોશી, ભાવિન ભાઈ  જોશી, મનીષભાઈ જોશી, પ્રશાંતભાઈ જોશી, સંગીતાબેન  જોશી, રમાબેન  જોશી, હેમાલીબેન જોશી, મનિષાબેન જોશી અને ત્રિશાબેન જોશી વગેરે ફસાઈ ગયા હતા.

લિફટની કેપેસિટી ૫૮૦ કિલો વજનની હતી, જ્‍યારે તેનાથી વધુ કેપેસિટી ના વ્‍યક્‍તિ પોતાના સામાન સાથે લિફટમાં પ્રવેશ્‍યા હોવાથી અધવચ્‍ચે લિફટ ફસાઈ હતી, અને દેકારો મચાવતાં અન્‍ય રહેવાસીઓ જાગી ગયા હતા, અને તાત્‍કાલિક અસરથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

 રાત્રિના અઢી વાગ્‍યે મળેલા કોલને લઈને ફાયર શાખાના અધિકારી ઉમેદ ગામેતીની રાહબરી હેઠળ મયુરસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને હસમુખભાઈ વઘોરા સહિતની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી, અને આશરે દસેક મિનિટની જહેમત લઈ મુખ્‍ય દરવાજાનો લોક ખોલી નાખી એક પછી એક સર્વેને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી સર્વે એ હાશકારો અનુભવ્‍યો હતો. લિફટમાં ફસાઈ જવાનો કિસ્‍સો જામનગરમાં બે દિવસના સમયગાળામાં બીજી વાર બન્‍યો હતો

(2:24 PM IST)