News of Monday, 27th May 2024
ભાવનગર અને રબારીકાના ર વ્યકિતનો ગેમઝોનમાં ઘટના બાદ સંપર્ક ન થતા ચિંતા
ભાવનગર તા.૨૭: રાજકોટના એક ગેમ ઝોનમાં ગત શનિવારે અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં બાળકો સહિતના આશરે ર૮ લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટના બાદ ભાવનગર શહેર અને જિલ્લાના બે વ્યકિત ગુમ હોવાનુ જાણવા મળેલ છે. બંને યુવાનનો કોઈ સંપર્ક નહીં થતા તેના પરિવારજનો ચિંતીત છે.

સરકારી તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનમાં ગત શનિવારે સાંજના સમયે અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં બાળકો સહિત ર૮ લોકો ભડથું થઈ જતા અરેરાટી મચી જવા પામી હતી. મળતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મળતકની ઓળખ કરવામાં આવશે. આ ગેમ ઝોનમાં ભાવનગર શહેર અને જિલ્લાના બે યુવાન હતા પરંતુ આ યુવાનો હાલ ગુમ છે, જેમાં વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (આશરે ઉ. ૩૪ રહે. શાંતીનગર, કાળીયાબીડ, ભાવનગર) અને કલ્પેશ પ્રવીણભાઈ બગડા (આશરે ઉ. ર૦ રહે. રબારીકા ગામ, તા. જેસર, જિ. ભાવનગર)નો સમાવેશ થાય છે. આ બંને યુવાનનો સંપર્ક નહીં થતા તેના પરિવારજનો ચિંતીત છે અને બંને યુવાનની શોધખોળ ચાલી રહી છે.
ઓમદેવસિંહ ગોહિલ રાજકોટ તેના સંબંધીના ઘરે ગયા હતા અને સંબંધીઓ સાથે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા પરંતુ અગ્નિકાંડની ઘટના બાદ તેઓનો સંપર્ક થતો નથી, જયારે કલ્પેશ બગડા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા હતા અને તેઓ હાલ રાજકોટ ખાતે રહેતા હતા પરંતુ તેઓનો પણ સંપર્ક થતો નથી તેમ ભાવનગર જિલ્લા કલેક્ટરના ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે અને લોકો સરકારની ટીકા કરી રહ્યા છે. આ ઘટનાના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
