<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

મતગણતરીમાં થયેલી માથાકૂટને લઇ સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્‍સોએ અપહરણ કરી માર માર્યો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૮ : સુત્રાપાડામાં રહેતો એક યુવાન મતગણતરી માટે તા.૩ના જૂનાગઢ ગયો હતો. જ્‍યાં તેના પાડોશમાં રહેતા શખ્‍સ સાથે માથાકૂટ થઈ હતી. જેના મનદુઃખના કારણે ગતસાંજે પાડોશી, તેના મિત્ર અને અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ યુવાનનું જીપમાં અપહરણ કરી બેફામ માર માર્યો હતો અને ધમકી આપી હતી. બાદમાં ફરિયાદ નહિ કરવા ખાતરી આપ્‍યા બાદ યુવાનને મુક્‍ત કર્યો હતો. આ અંગે આજે ફરિયાદ થતા પોલીસની ચાર ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

વિગત મુજબ સુત્રાપાડામાં મંજૂલેશ્વર મંદિર પાસે રહેતો અને ખેતી કરતો જયેશ ઉર્ફે મેઘાણી મહેન્‍દ્રભાઈ બારડ (ઉ.વ.૩૦)  મતગણતરી માટે જૂનાગઢ આવ્‍યો હતો. તેની બાજુમાં રહેતો મયંક કાના બારડ પણ જૂનાગઢ ગયો હતો. બંનેને સામાન્‍ય બાબતે બોલાચાલી થઈ હતી ત્‍યારે મયંકે જયેશ ઉર્ફે મેઘાણીને ઢીકાપાટુ મારી મોઢાના ભાગે વિખોડીયા ભરી લીધા હતા ગઈકાલે સાંજે જયેશ ઉર્ફે મેઘાણી સુત્રાપાડામાં કાંકરી ગેટ પાસે કાર રિપેર કરાવવા ઉભો હતો ત્‍યારે મયંક કાના બાડ અને જૂનાગઢનો તેનો મિત્ર યશ બેરા અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો સફેદ કલરની બોલેરોમાં આવ્‍યા હતા.

તેણે જયેશને બળજબરીપૂર્વક બોલેરોમાં બેસાડી સુત્રાપાડા ફાટકથી આગળ લઈ ગયા હતા અને આ દરમ્‍યાન ઢીકાપાટુ તથા થપ્‍પડ વડે માર મારતા ગડુ અને ત્‍યાંથી તાલાળા તાલુકાના ઉમરેઠી ડેમ તરફ આવેલી એક વાડીએ લઈ ગયા હતા. જયેશે બુમાબુમ કરતા યશ બેરાએ મોં પર રૂમાલ બાંધી દીધો હતો. મયંકે કુહાડી વડે પગમાં ઈજા કરી હતી. જ્‍યારે યશે પાઈપ ફટકારી કાંડાના ભાગે ઈજા કરી હતી. અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ ચેઈન વડે માર મારી આંખના ભાગે મુક્કા માર્યા હતા એક કલાક સુધી આ શખ્‍સોએ માર મારતા જયેશને ઉલ્‍ટી થવા લાગી હતી અને અર્ધબેભાન થઈ ગયો હતો.

મયંકને કોઈનો ફોન આવતા તેમના મિત્રોએ હવે આને આપડે વેરાવળ મુકી આવીએ એવી વાત કરી હતી. ત્‍યારે યશ બેરાએ આને જૂનાગઢ લઈ જઈ અને ત્‍યાં હાથ-પગ ભાંગી નાખવા છે તેમ કહ્યું હતું. જયેશે મુક્‍ત કરવા આજીજી કરી હતી. ત્‍યારે મયંક, યશ તથા તેના મિત્રોએ તું પોલીસ કેસ ન કરે તો તને મુક્‍ત કરશું, જો ફરિયાદ કરીશ તો પાછો પકડી ફરી માર મારશું એવી ધમકી આપી હતી. જયેશે મુક્‍ત થવા માટે ત્‍યારે ફરિયાદ નહી કરૂ તેવું કહ્યું હતું આથી શખ્‍સોએ જયેશને વેરાવળ બાયપાસ પર ઉતારી ચાલવા કહ્યું હતું, પરંતુ જયેશે ચાલી શકાય તેમ નથી તેમ કહેતા આ શખ્‍સોએ ચાલવા માંડ નહીતર તારા ઉપર ગાડી ચડાવી દઈશું એવી ધમકી આપતાં જયેશ ચાલવા લાગ્‍યો હતો. ત્‍યારબાદ તેને તેના મિત્રને ફોન કરી બોલાવ્‍યો હતો. તેણે વેરાવળ સરકાર હોસ્‍પિટલમાં ખસેડ્‍યો હતો આ અંગે ફરિયાદ થતા સુત્રાપાડા પોલીસે મયંક કાના બારડ, યશ બેરા તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂદ્ધ આઇપીસી ૧૪૩ ૧૪૭ ૧૪૮, ૧૪૯,  ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૬(૨) મુજબ અપહરણ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:20 AM IST)