<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ભાવનગર એસ.પી.કચેરી ખાતે રજુઆત કરવા ગયેલી મહિલાએ ફીનાઇલ પીધું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: ભાવનગરના કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ મિલની ચાલીમાં રહેતા મહિલાએ એસ.પી.કચેરી ખાતે ફીનાઇલ પી લેતા મહિલાને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ છે. કુંભારવાડા વિસ્‍તારમાં થયેલ ઝગડા અંગે તેઓ એસ.પી. કચેરી ખાતે રજૂઆત કરવા આવ્‍યા હતા તે દરમિયાન તેમણે આત્‍મહત્‍યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

વિગતો મુજબ શિલ્‍પાબેન મકવાણા અને તેમના પતિ ભરતભાઈ મકવાણા તેમના પિતાના ઘરે જતા હતા તે દરમિયાન આ વિસ્‍તારમાં રહેતા માથાભારે ઈસમો સાથે તેમને બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતને લઈને તેઓ પોલીસ ફરિયાદ નોંધાવ્‍વા માટે ગયા હતા પરંતુ આગેવાનોએ સમજાવટ કરતા તેઓએ ફરિયાદ નોંધાવી ન હતી. દરમિયાન સામેવાળા હેરાન કરતા હોય આજે શિલ્‍પાબેન મકવાણા એસ.પી. કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા, જ્‍યાં તેમને લાગી આવતા તેમણે ફીનાઇલ પી લીધી હતી. એસપી કચેરી સંકુલમાં ફીનાઇલ પી લેતા શિલ્‍પાબેન મકવાણાને તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.

(10:57 AM IST)