<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સાયલાના હડાળાના સોમીબેનનું રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ઓપરેશન બાદ તબિયત બગડતાં મોત

નસનું ઓપરેશન કરાવવા એચસીજીમાં દાખલ થયા હતાં: ઓપરેશન બાદ તેમને એટેક આવી ગયાનું કહી પરિવારજનોને બીજે લઇ જવા કહેવાયું: બેદરકારીનો આક્ષેપ

રાજકોટ તા. ૮: સાયલાના હડાળા ગામે રહેતાં સોમીબેન મંગાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦) નામના મહિલાને મણકાની નસ દબાતી હોઇ તેના ઓપરેશન માટે રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી હોસ્‍પિટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન પછી હાલત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ખાનગી હોસ્‍પિટલના તબિબોએ બેદરકારી દાખવી હોવાનો સગાઓએ આક્ષેપ કરતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા પોલીસે તજવીજ કરી હતી.

જાણવા મળ્‍ય ામુજબ સાયલાના હડાળા ગામે રહેતા સોનીબેન મંગાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) નામના મહિલાને મણકામાં દુખાવો થતો હોઇ પરિવારજનોએ તેમને  પ્રથમ સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં લઇ નિદાન કરાવ્‍યું હતું. મણકાની નસ દબાતી હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેવાતાં તેમને રાજકોટની ૧૫૦ ફૂટ રોડ પર અયોધ્‍યા ચોક નજીક આવેલી એચસીજી હોસ્‍પિટલમાં બતાવ્‍યું હતું. દવા સારવાર બાદ સારુ ન થતાં ઓપરેશનનું કહેવાતાં આયુષ્‍યમાન કાર્ડને આધારે ગત ૧/૬ના રોજ દાખલ કરાયા હતાં.  પરિવારજનોના કહેવા મુજબ અહિ સોમીબેનનું તા.૩ના સોમવારે ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. જો કે ઓપરેશન બાદ સોમીબેન ભાનમાં ન આવતાં તેમને હાર્ટએટેક આવી ગયાનું ડોક્‍ટરે કહ્યું હતું.

સોમીબેનના પતિ મંગાભાઇ વશરામભાઇ રાઠોડે વધુમાં જણાવ્‍યું હતું કે અમને બાદમાં એવુ કહેવામાં આવ્‍યું કે તબિયત બરાબર નથી એટલે આઈસીયુમાં વેન્‍ટિલેટર પર લેવા પડશે. વેન્‍ટિલેટર ઉપર રાખ્‍યા બાદ તેઓ  કોમામાં ચાલ્‍યા ગયાનું જણાવ્‍યું હતું. ગઈકાલે સાંજે ડોકટરે બોલાવી હવે કાંઈ રહ્યું નથી વેન્‍ટિલેટર કાઢી લઈએ એટલે બે-ત્રણ કલાક જીવ રહેશે તમારે ઘરે લઇ જઈ શકો છો, તેમ કહેતાં જીવ હોય તો ઘરે કઇ રીતે લઇ જવાય? તેવો સવાલ કરાતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવાનું કહેવાતાં અમે સોમીબેનને અહિ લાવ્‍યા હતાં. પણ સવારે દમ તોડી દીધો હતો. ખાનગી હોસ્‍પિટલના તબીબની બેદરકારીનો આક્ષેપ પરિવારજનોએ કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. મૃત્‍યુ પામનાર સોમીબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:01 AM IST)