<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અભિયાન : ઓછા ખર્ચે મબલખ પાક લઇ શકાય

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ભેજ વધારે રહે અને ઓછા પાણીએ ગુણવત્તાયુક્‍ત પાક લઇ શકાય : વરસાદમાં અળસિયાને લીધે જમીનની નિતાર શકિત વધે અને પાણીના તળ ઉંચા આવે છે : રસાયણિક ખેતીના વિપરીત પરિણામો અને કેન્‍સર જેવી બીમારી વધે છે

પોરબંદર તા. ૮ : છેલ્લા પાંચ દાયકાથી સતત રાસાયણિક ખેતીના વિવિધ વિપરીત પરિણામો બહાર આવ્‍યા છે. કેન્‍સર સહિતની વધતી બીમારીઓ અને જમીનની ઘટતી જતી ફળદ્રુપતાનો કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર પ્રાકૃતિક ખેતી છે.  તે માટે ગુજરાતમાં વ્‍યાપક અભિયાન ચાલી રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય તે માટે આત્‍મા, જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ તેમજ જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્‍ત રીતે પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.  આજનો સમય પ્રાકૃતિક ખેતીનો છે. પ્રકૃતિ પણ પ્રાકૃતિક ખેતી ઇચ્‍છે છે અને તેમાં સમસ્‍ત માનવ જગતનું કલ્‍યાણ છે.

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓછા પાણી (પિયત)એ ગુણવત્તાયુક્‍ત પાક ઉત્‍પાદન મેળવી શકાઇ છે. જમીન વધુ ફળદ્રુપ અને પોચી હોવાથી ભેજ સંગ્રહ શક્‍તિ વધારે હોય છે, તેમજ વરસાદ સમયે જમીનની નિતારક્ષતિ વધારે હોવાથી પાણીના તળ પણ ઉંચા આવતા હોવાનું પોરબંદર જિલ્લામાં  ફરજ બજાવતા આત્‍માના આસિસ્‍ટન્‍ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીએ પ્રાકૃતિક ખેતીની ફાયદાની વાત કરતા જણાવ્‍યું હતું.  તેઓએ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.

ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તેવા પ્રયાસો હાથ ધરી રહ્યા છે. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહન આપવા માટે યોજનાઓ પણ અમલમાં છે. સમયાંતરે રાજયપાલ શ્રી  ખેડૂત શિબિરો યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપે છે. પોરબંદર જિલ્લામાં પણ આત્‍મા પ્રોજેક્‍ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓનો લાભ જિલ્લાના ખેડૂતોને સ્‍થાનિક તંત્ર દ્વારા પહોંચાડવામાં આવ્‍યો છે.પોરબંદર જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

આત્‍મા પ્રોજેક્‍ટમાં ફરજ બજાવતા આસિસ્‍ટન્‍ટ ટેકનોલોજી મેનેજર શ્રી મોરીએ વધુમાં જણાવ્‍યું કે  પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે ખેડૂતો સારુ પાક ઉત્‍પાદન મેળવી શકે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ભેજ ધારણ શક્‍તિમાં વધારો થાય છે. જમીનમાં નાશ પામેલ અળસિયા, લાભકારક સુક્ષ્મ જોવો (બેકટેરિયા )નો વધારો થાય છે. જૂજ પ્રમાણમાં વધેલ અળસિયા ૨૪ કલાક જમીનને ફળદ્રુપ બનાવવાનું કાર્ય કરે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો એકસાથે વધુ પાક લેતા હોય, જેમાં વાતાવરણ પ્રતિકૂળતાના કારણે એક પાકમાં ઓછું ઉત્‍પાદન થતું હોય તો અન્‍ય પાકમાં સારું ઉત્‍પાદન થાય છે. વરસાદ સમયે પ્રાકૃતિક ખેતી જે ખેતરમાં થતી હોય તે જમીનની નિતારક્ષતિ વધારે હોવાથી પાણીના તળ ઊંચા આવે છે.

વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે જંતુનાશક દવા, કેમિકલ યુક્‍ત રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ થતો હોય તે જમીનમાં પ્રોત, પ્રત, બાંધો બગડી જવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરવાના બદલે વહી જતું હોય છે. જેની સામે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સીધું વરસાદી પાણી સંગ્રહ થાય છે. જમીન પોચી, ભરભરી, ફળદ્રુપ રહેતા વધુ માત્રામાં પાણી સંગ્રહિત થાય છે. મગફળી જેવા પાકને મોટી માત્રામાં લાભ થાય છે. ભેજનું પ્રમાણ વધતા ઓછા પિયત પાણીથી ગુણવત્તા યુક્‍ત પાક ઉત્‍પાદન થાય છે. પ્રાકૃતિક ખેતીથી સારી ગુણવત્તા વાળુ પાક ઉત્‍પાદન અને પશુઓ માટેનો ઘાસચારો ઉત્તમ પ્રકારનો હોય છે. આમ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને અનેક પ્રકારના લાભો થતા હોવાનું જણાવ્‍યું હતું. પોરબંદર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી અપીલ કરવામાં આવી હતી

(12:01 PM IST)