News of Saturday, 8th June 2024
મોરબીના બરવાળા પાસે આસામના મુસાફરને ચાલુ ટ્રેને ધક્કો મારી દેવાયો
દરવાજા પાસે બેસવા મામલે અજાણ્યા શખ્સો સાથે માથાકુટ થઇ હતીઃ ભત્રીજાએ ચેઇન ખેંચી ટ્રેન ઉભી રખાવીઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૮: મોરબીના બરવાળા નજીક રાતે સાડા અગિયારેક વાગ્યે આસામના મુસાફર બનેશ્વર બીપીન બાસુમત્રાય (ઉ.વ.૫૩)ને અજાણ્યા શખ્સોએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી બહાર ફેંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ આસામ રહેતાં બનેશ્વર બાસુમત્રાય તેના ભત્રીજા વિશ્વ સાથે ગાંધીધામની કંપનીમાં નોકરી કરવા માટે આસામથી ગઇકાલે કામાખીયા ગાંધીધામ એકસપ્રેસ ટ્રેનમાં બેસી ગાંધીધામ જઇ રહ્યા હતાં. આ વખતે મોરબીના બરવાળા ગામે પાસે ચાલુ ટ્રેનમાંથી તેને અજાણ્યા શખ્સોએ ધક્કો મારી દેતાં ઇજા થઇ હતી.
ભત્રીજા વિશ્વના કહેવા મુજબ કાકા બનેશ્વર દરવાજા પાસે બેસવા ગયા ત્યારે અજાણ્યા ત્રણ ચાર શખ્સો ત્યાં બેઠા હોઇ તેણે દરવાજા પાસે બેસવા મામલે ઝઘડો કરી ધક્કો મારી દીધો હતો. પોતાને જાણ થતાં ચેઇન ખેંચી ટ્રેન ઉભી રખાવી હતી. મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ મોરબી પોલીસને જાણ કરી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
