News of Monday, 10th June 2024
ઢાંક ગામે બેન્ક સાથે ૬૪ લાખની છેતરપીંડી
નવ વ્યકિતઓ સામે પોલીસ ફરીયાદ

ઉપલેટા, તા.૧૦: એચ.ડી.એફ.સી. બેન્કના રિજનલ મેનેજર કેતનભાઇ જગદીશચંદ્ર દવે દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એચ.ડી.એફ.સી. બેન્કની ઉપલેટાની શાખામાં ગ્રાહક બની પશુ ખરીદવા માટે તેમજ પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન મેળવવા માટેની અરજીઓ કરી તેમની સાથે દૂધની આવક અંગેના દાખલાઓ તેમજ અલગ-અલગ દૂધની ડેરીઓ ખાતેથી બનાવટી ડોકયુમેન્ટ મેળવી અને ખોટી માહિતીઓ આપી બનાવટી ડોકયુમેન્ટ ને ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી લોન મેળવી બેંકને લોનની રકમ નહીં ચૂકવતા તેમજ લોનના એગ્રીમેન્ટની શરતોનું પાલન નહીં કરતા બેન્ક દ્વારા આપવામાં આવેલી કુલ રૂપિયા ૬૪,૬૬,૪૯૯/ના નાણાની રકમ નહીં ચૂકવતા બેંક સાથે છેતરપિંડી કરી હોવાની બાબતે બેંક દ્વારા ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના મહાવીરસિંહ ગોગુભા વાળા, રમેશભાઈ કાનભાઈ કરોતરા, ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ, હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ, ભીખુભાઈ મંગળુંભાઈ ભીખુભાઈ માલા, મધુબેન હરસુરભાઈ માકડ, ભીખાભાઈ ચનાભાઈ કરોતરા, ટમુબેન ભીખાભાઈ કરોતરા અને રંજનબેન ભાણાભાઈ ડાંગર સહિત નવ વ્યક્તિઓ સામે કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઊંડાણપૂર્વક તપાસ થાય તો બેંકની પણ ક્ષતિઓ અને ખામીઓ સામે આવી શકે છે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે આ મામલાની તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.વી. ભિમાણી ચલાવી રહ્યા છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
