<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ભાવનગરમાં બે સગા ભાઈઓ પર ગોળીબારની ચકચારી ઘટના

માથાકૂટમાં ધડાધડ ગોળીબાર કરી બે શખ્સ ફરારઃહત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતીમાન

ભાવનગર, તા.૧૪

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈ ઉપર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી એક યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં મૃતકના ભાઈને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ધોળા દિવસે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસનો મસમોટો કાફલો દોડી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધવા તેમજ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

શહેરમાં ચકચાર મચાવનારી ઘટનાની હોસ્પિટલ પોલીસ ચોપડેથી મળતી વિગત મુજબ શહેરના વિઠ્ઠલવાડી, વડલાવવાળી શેરીમાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.૨૫) અને તેમના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.૨૭)ને આજે ગુરૃવારે સાંજના સમયે તે જ વિસ્તારમાં રહેતો રાહુલ વેગડ નામના શખ્સ સાથે વિઠ્ઠલવાડી, જૂના બે માળિયા, પેટ્રોલપંપ પાછળ મારામારી થઈ હતી. દરમિયાનમાં મામલો વધુ ઉગ્ર થતાં રાહુલનો સબંધી રાજુ વેગડ પણ દોડી આવ્યો હતો અને બન્ને ભાઈ ઉપર ધડાધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા કુલદીપસિંહ ઝાલાને ગંભીર ઈજા થતાં રસ્તા પર ઢળી પડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગોળી વાગી જતાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે તાબડતોડ સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરિંગ કરી સરાજાહેર યુવાનની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવતા જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી, નિલમબાગ પોલીસનો મસમોટો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.  આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બન્ને પક્ષે ચાલી રહેલા ઝઘડા દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હત્યા કરી રાહુલ અને રાજુ નામના શખ્સો નાસી ગયા હોય, પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હત્યારાઓને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(7:34 PM IST)