<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કચ્‍છમાંથી ચરસના વધુ ૧૧ પેકેટ મળ્‍યા : ૭ દિ'માં ૬૬ પેકેટ મળ્‍યા

ઉડતા ગુજરાત બને એ પહેલા સાવધાન : ચરસ મોકલનાર અને લેનાર કોણ ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : કેફી દ્રવ્‍યોના કારણે ઉડતા પંજાબની જે હાલત થઈ ત્‍યાર બાદ હવે ડ્રગ્‍સ માફિયાઓએ ગુજરાતના અને તેમાંયે સૌરાષ્‍ટ્ર કચ્‍છના દરિયા કિનારાને ટાર્ગેટ કર્યું છે.

આ દરિયાઈ માર્ગ હવે ડ્રગ્‍સ માટે લેન્‍ડિંગ અને ટ્રાંઝીસ્‍ટ પોઈન્‍ટ બની ગયો છે. સતત ૭ માં દિવસે કચ્‍છના દરિયામાં ખીદરત ટાપુ પાસે ૧૦ અને કોટેશ્વર દીવાદાંડી પાસે ૧ એમ ૧૧ ચરસના પેકેટ મળી આવતાં કુલ બિનવારસુ મળેલ ચરસના પેકેટનો આંકડો ૬૬ ઉપર પહોંચ્‍યો છે.

મેટ્રો શહેરોમાં થોડા ગ્રામ ડ્રગ્‍સ ઝડપાય ત્‍યારે તેમ જ રેવ પાર્ટીઓ સમયે દોડતી એજન્‍સીઓ આવા કિસ્‍સામાં સક્રિય બની સયુંકત રીતે ત્રાટકે તે રાષ્‍ટ્ર હિતમાં છે. ૬૬ પેકેટનો જથ્‍થો એટલે બહુજ મોટી માત્રામાં કેફી દ્રવ્‍ય ગણી શકાય. આ કચ્‍છમાં કોણ લેવા આવવાનું હતું કે કોણે પાકિસ્‍તાનથી મોકલ્‍યું તેની તપાસ થવી જોઈએ.

અગાઉ પણ બાતમીદારોની બાતમીના આધારે એજન્‍સીઓ મૂળ સુધી પહોંચી છે. ત્‍યારે આવા કિસ્‍સામાં રાષ્‍ટ્ર હિતમાં પણ મૂળ સુધી તપાસ થવી જરૂરી છે.

(10:57 AM IST)