News of Tuesday, 18th June 2024
ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં ૨૫ ટકાનો ફી વધારો ઉગ્ર રજુઆત બાદ પાછો ખેંચાયો
પાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં સ્કૂલના ફાધરને સફળ રજુઆત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૮: ગોંડલની સેન્ટમેરી સ્કુલમાં કોઈ પણ જાતનાં કારણ વગર કે વાલીઓને જાણ કર્યા વગર સ્કુલનાં ફાધર દ્વારા ૨૫ ટકા ફી વધારો કરાતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો.ફી વધારા અંગે નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ થતા સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલ નાં ફાધર નાં તઘલખી નિર્ણય સામે આગબગુલા બની ઉગ્ર રજૂઆત કરતા ફાધરની શાન ઠેકાણે આવી હતી અને ફી વધારો પાછો ખેંચાયો હતો.વધુમાં સ્કુલ બસની ફીમાં પણ કરાયેલ વધારો પાછો ખેંચવા બાહેંધરી અપાઇ હતી.સ્કુલનાં પુસ્તકો ખરીદવા પોતાના માનીતા બુકસ્ટોરમાંથી જ ફરજિયાત પુસ્તકો ખરીદવાનો નિર્ણય પણ બદલી કોઈ પણ બુકસ્ટોરમાંથી પુસ્તકો ખરીદી શકાશે તેવી ખાત્રી અપાતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સેન્ટમેરી સ્કુલ નાં અંદાજે ૧૬૦૦ વિદ્યાર્થીઓ પર સ્કુલ ઉઘડતા જ ૨૫ ટકાનો ફી વધારો ઠોકી દેવાતા વાલીઓ રોષીત બન્યા હતા.ખાસ કરી મધ્યમવર્ગીય પરિવારનાં વિદ્યાર્થીઓ માટે ફી વધારો અસહ્ય હોય સેન્ટમેરી સ્કુલનાં તઘલખી નિર્ણય અંગે લડાયક અગ્રણી અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરાતા તેઓ સેન્ટમેરી સ્કુલે દોડી જઇ સ્કુલનાં ફાધર સીજોને ઉગ્ર રજૂઆત કરી હતી.
રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ પણ સ્કુલમાં ફી વધારો કરતા પહેલા જીલ્લા ફી નીવારણ સમિતીને દરખાસ્ત કરી મંજુરી લેવાની હોય છે.વ્યાજબી કારણો બાદ ફી વધારાની મંજુરી અપાતી હોય છે.પરંતુ સેન્ટમેરી સ્કુલમાં ફાધર સીજો દ્વારા કોઈ મંજુરી વગર જાણે તેઓને રાત્રે સ્વપ્ન આવ્યું તેમ સવારે ૨૫ ટકા ફી વધારાનો નિર્ણય ફરમાવી દેવાયો હતો.
રાજેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતને લઈને ઢીલાઢફફ બનેલા ફાધર સીજો એ તુરંત ફી વધારો પરત ખેંચ્યો હતો.વધુમાં સ્કુલ બસ માટે પણ ફી વધારો કરાયો હોય તે અગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.સ્કુલ દ્વારા ફતવો બહાર પડાયો હતો કે સ્કુલ નાં પુસ્તકો કે નોટ બુકસ તેમના માનીતા ચોક્કસ બુકસ્ટોરમાંથી જ ખરીદવા તે અગે પણ ફેરફાર કરી વાલીઓ કોઈ પણ બુકસ્ટોર માંથી પુસ્તકો ખરીદી શકશે તેવું જણાવ્યું હતું.
રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરની અન્ય કેટલીક સ્કુલોમાં પણ ફી સહિત કેટલાક તઘલખી નિયમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.જેની સામે આગામી સમયમાં વાલી મંડળની રચના કરી ન્યાયિક રજૂઆત દ્વારા આવાજ ઉઠાવાશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
