<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગોંડલના ભરૂડી નજીક બાઇક સ્‍લીપ થતાં રીબડાના નીતાબેનનું મોતઃ પતિનો બચાવ

ઘરમાં અગાઉ પાંચ લાખની ચોરી થઇ હોઇ તેની તપાસ ક્‍યાં પહોંચી તે જાણવા ગોંડલ પોલીસ સ્‍ટેશને જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૮: ગોંડલના ભરૂડી નજીક બાઇક સ્‍લીપ થતાં પતિની પાછળ બેઠેલા રીબડાના મહિલાને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં  શોક છવાઇ ગયો હતો. થોડા દિવસ પહેલા ઘરમાં ચોરી થઇ હોઇ તેની તપાસ ક્‍યાં પહોંચી તે જાણવા પતિ-પત્‍નિ ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશને જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ રીબડામાં બસ સ્‍ટેશન પાસે રહેતાં નીતાબેન અશોકભાઇ કવા (ઉ.વ.૪૬) તા. ૧૦/૬ના રોજ સાંજે સાડા આઠેક વાગ્‍યે પતિના મોટર સાઇકલમાં બેસીને ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશને જઇ રહ્યા હતાં ત્‍યારે ભરૂડી ગામ નજીક પાસે તેનું વાહન સ્‍લીપ થઇ જતાં નીતાબેનને ગંભીર ઇજા થઇ હતી, પતિનો બચાવ થયો હતો. તેમને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનારને ચાર દિકરી છે.  પતિ મજૂરી કરે છે. પંદર દિવસ પહેલા આ પતિ-પત્‍નિ ઘરને તાળા મારી દિકરીના ઘરે આટો દેવા ગયા હતાં. ત્‍યારે તેમના ઘરમાંથી પાંચ લાખની ચોરી થઇ હતી. જેની ફરિયાદ નોંધાવી હતી. ૧૦મીએ પતિ-પત્‍નિ આ ચોરીમાં તપાસ ક્‍યાં પહોંચી તે જાણવા ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશને જઇ રહ્યા હતાં ત્‍યારે અકસ્‍માત નડયો હતો. જેમાં ઘવાયેલા નીતાબેને આજે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, કેતનભાઇ નિકોલા સહિતે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:52 AM IST)