News of Tuesday, 18th June 2024
ગોંડલના બીલીયાળા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા પુત્રની નજર સામે પિતાનું મોત
પિતા-પુત્ર રાજકોટથી કામ કરી આવતા'તાને અકસ્માત નડયો : ગોંડલના પિત્રોડા પરિવારમાં અરેરાટી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૮ : ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે બીલીયાળા પાસે ગત રાત્રીનાં બાઇક પર ગોંડલ આવી રહેલા પિતા પુત્ર ને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત માં પિતાનું કરુણ મોત નિપજ્યું હતુ.જ્યારે પુત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં નાગડકા રોડ પર આવેલી રાજહંસ રેસીડેન્સી માં રહેતા અને ફર્નિચર સહિત સુથારીકામ કરતા ધીરુભાઈ કરશનભાઈ પિત્રોડા ઉ.૬૮ તથા તેમનો પુત્ર મુકેશભાઈ ઉ.૩૧ ગત રાત્રીનાં રાજકોટથી બાઈક પર ગોંડલ આવી રહ્યા હતાં ત્યારે બીલીયાળા નજીક ઘરઢાબા પાસે પુરપાટ વેગે ધસી આવેલા ટ્રકનાં ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક ફંગોળાતા પાછળ બેઠેલા ધીરૂભાઈનું ગંભીર ઇજાને કારણે કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક ચાલક તેમનાં પુત્ર મુકેશભાઈ ને ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.આમ પુત્ર ની નજર સામે પિતાએ દમ તોડતા મુકેશભાઈ હતપ્રત બન્યા હતા.
પિતા પુત્ર ફર્નિચર સહિત નું સુથારીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા હતાં.રાજકોટ અમીન માર્ગ પર દેનાબેંક સોસાયટીમાં ટયુશન ક્લાસ માં બેંચ બનાવવાનું સુથારીકામ રાખેલું હોય કામ પતાવી બન્ને પિતા-પુત્ર ગોંડલ પરત ફરી રહ્યાં હતા.
અકસ્માત માં મોત ને ભેંટેલા ધીરૂભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ હોવાનું જાણવાં મળેલ હતું. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
