News of Tuesday, 18th June 2024
પોરબંદર દરિયાઇ પટ્ટી ઉપરથી ડ્રગ્સના ૭ પેકેટો બિનવારસુ મળ્યા
ઓડદર કાંઠે ડ્રગ્સના પ પેકેટો અને માધવપુર ઘેડ તથા કુછડી કાંઠે ૧-૧ પેકેટો તણાઇ આવ્યાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: પોરબંદરના અતિ સંવેદનશીલ દરિયાઇ પટ્ટી ઉપર ત્રણ અલગ-અલગ કાંઠા ઉપરથી ડ્રગ્સના કુલ ૭ બિનવારસુ પેકેટો મળી આવતા આ અંગે સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ બિનવારસુ ડ્રગ્સના ૭ પેકેટોની અંદાજે કિ.૧ર લાખ થાય છે.
પોરબંદરની દરિયાઇ પટ્ટી ઉપરના ઓડદર કાંઠે ડ્રગ્સના પ પેકેટો અને માધવપુર ઘેડ કાંઠેથી તથા કુછડી કાંઠેથી ડ્રગ્સના ૧-૧ પેકેટો મળી ડ્રગ્સના કુલ ૭ પેકેટો બિન વારસુ તણાઇ આવતા એસઓજીએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કચ્છના જખૌ તથા દેવભુમી દ્વારકાના દરીયાકાંઠેથી તાજેતરમાં બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવવાનો સીલસીલો ચાલુ રહયો છે. તે સાથે પોરબંદરના અતિ સંવેદનશીલ દરીયાકાંઠેથી આવા બિન વારસુ ડ્રગ્સના ૭ પેકેટો મળી આવ્યા છે. આ બિનવારસુ ડ્રગ્સના ૭ પેકેટોની અંદાજે કિ.૧ર લાખ થાય છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અરબી સમુદ્ર કાંઠે અત્યાર સુધીમાં મળી આવતા ડ્રગ્સના બીન વારસુ પેકેટોની તપાસમાં આ ડ્રગ્સના પેકેટો કોણ મોકલે છે? અને ડ્રગ્સના પેકેટો કયાંથી આવે છે? તેના મુળ સુધી સુરક્ષા એજન્સીઓ પહોંચી શકી નથી.
ડ્રગ્સ માફીયાઓ દ્વારા દરીયાકાંઠે મોટી રકમના ડ્રગ્સનો જથ્થો વારંવાર મુળ જગ્યાએ સગેવગે કરી નાખતા હોવાની શંકા તેમજ દરીયાકાંઠે માત્ર નાની સંખ્યામાં ડ્રગ્સના પેકેટો મળી આવતા હોય આ દિશામાં ઉંડાણપુર્વક તપાસ કરવાનું જરૂરી બની ગયું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
