<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સૌરાષ્‍ટ્રભરમાં અસહ્ય બફારોઃ મીતાણા વિસ્‍તારમાં ભારે વરસાદ

રાજકોટ-મોરબી હાઇવે બન્ને તરફ કોરોધાકોડ રહ્યો ને સમી સાંજે માત્ર મીતાણામાં વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભીમ અગીયારસે સાર્વત્રિકના બદલે છૂટોછવાયો વરસાદ વરસ્‍યોઃ જામનગરના વસઇ, પડાણા, મોટા ખડબામાં ઝાપટા પડયા

રાજકોટ તા.૧૯: છેલ્લા કેટલાય દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. અને તેમાંય બફારાએ હદ વટાવી દીધી છે. ધરમાં હો કે બહાર લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. ઘરમાં તો રહી શકાય નહીં. એવી સ્‍થિતિ વચ્‍ચે બે દિ'થી કયાંક કયાંક હળવો ભારે વરસાદ વરસી ગયો છે. અને  સર્વતા હવે વરસાદની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. ત્‍યારે ગઇકાલે ભીમ અગિયારસના દિવસે સમીસાંજે મીતાણા વિસ્‍તારમાં ૧ થી ૨ ઇંચ પાણી પડી જતા ઠંડક પ્રસરી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટથી ૨૭ કી.મી. દુર મોરબી રોડ ઉપર આવેલ મીતાણા ગામ અને આસપાસના ૧ થી ૨ કી.મી.ની ત્રિજયાના વિસ્‍તારમાં સાંજના ૬ વાગ્‍યાના સુમારે સારો એવો વરસાદ વરસ્‍યો હતો. તેમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને હાઇવે ઉપર પણ વરસાદ રહયો હોઇ ચારેતરફ પાણી હાલી નિકળ્‍યા હતા. અને આ વરસાદ માત્ર મીતાણા અને તેના આસપાસના વિસ્‍તારમાંજ હતો ત્‍યારે મીતાણાની બન્ને બાજુ રાજકોટ- મોરબી હાઇવે અને તેનો વિસ્‍તાર કોરો ધાકોડ રહયો હતો.

મીતાણા વિસ્‍તારમાં પહેલો જ વરસાદ સારો એવો વરસતા ખેતરો અને જમીન ભીના થયા હતા એ ઉપરાંત ગરમીમાં લોકોએ પણ રાહત અનુભવી હતી. આ વરસાદ બે ઇંચ જેટલો પડયો હોવાનું અનુમાન છે.

ગઇકાલે ભીમ અગિયારસ હતી, આ દિવસે ધોધમાર વરસાદ પડે તેવી સોૈને આશા હોય છે. પરંતુ સાર્વત્રિકના બદલે છુટો-છવાયો વરસાદ પડયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરના વસઇ, પડાણા, મોટા ખડબામાં ઝાપઠા પડયા છે. લઘુતમ તાપમાન ૨૯.૪, મહતમ ૩૬.૫, ભેજ ૭૪ ટકા, પવનની ગતિ ૧૩.૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લાનાં પાટણ- વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

(11:00 AM IST)