News of Wednesday, 19th June 2024
ભચાઉના ચોબારીમાં મધરાત્રે યુવકની હત્યા: પ્રેમિકાને મળવા જતાં જાગી ગયેલાં પિતા-ભાઈએ પ્રેમીને છરીથી રહેંસી નાખ્યો
પોલીસે પિતા-પુત્ર સામે ખૂનનો ગુનો દાખલ કરી બેઉને રાઉન્ડ અપ કરી લીધાં: બેઉ જણે રોષે ભરાઈને વિષ્ણુને છરીના ઘા ઝીંક્યાં હતાં.

ભચાઉ તાલુકાના ચોબારી ગામે મધરાત્રે ગામના યુવકની થયેલી હત્યાના બનાવમાં પોલીસે પિતા-પુત્ર સામે ખૂનનો ગુનો દાખલ કરી બેઉને રાઉન્ડ અપ કરી લીધાં છે. મરણ જનાર વિષ્ણુ સવજીભાઈ મણવર (૨૨ વર્ષ) પોતાની પ્રેમિકાને મળવા મધરાત્રે કબીરનગરમાં તેના ઘરે ગયો હતો.
દરમિયાન, પ્રેમિકાના પિતા માદેવા રણછોડભાઈ ઢીલા અને ભાઈ વિપુલ માદેવા ઢીલા જાગી જઈને તેને જોઈ જતાં રોષે ભરાયાં હતાં. બેઉ જણે વિષ્ણુ પર છરીથી હુમલો કરી છાતી અને પીઠમાં ઘા માર્યાં હતાં. ગંભીર ઈજાથી વિષ્ણુ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો
મરણ જનાર વિષ્ણુ પરોઢે પાંચ વાગ્યા પહેલાં પ્રેમિકાના ઘરની પાછળની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ઘરમાં દેશી નળિયાવાળા ત્રણ અલગ અલગ રૂમ છે.
પ્રેમિકા જે રૂમમાં સૂતી હતી તે રૂમના દરવાજાની જાળી ખોલવા જતાં તેના અવાજથી તેનો ભાઈ વિપુલ જાગી ગયો હતો. વિપુલે ‘ચોર ચોર’ કહીને બૂમો પાડવાનું શરૂ કરતાં જ વિષ્ણુએ ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો અને વિપુલ સાથે જ ભટકાઈ ગયો હતો.
વિપુલના હાથમાં છરી હતી અને તે વિષ્ણુને ઓળખી ગયો હતો. ગભરાઈ ગયેલાં વિષ્ણુએ દિવાલ કૂદીને નાસી જવા પ્રયાસ કર્યો હતો પરંતુ વિપુલે પાછળથી પીઠમાં છરી ઝીંકી દેતાં તે નીચે પડ્યો હતો અને નીચે તીક્ષ્ણ લાકડાં પડ્યાં હોઈ પડ્યાં બાદ તે ઊભો થઈ શક્યો નહોતો. આ સમયે વિપુલના પિતા પણ જાગીને આવી ગયાં હતા અને બેઉ જણે રોષે ભરાઈને વિષ્ણુને છરીના ઘા ઝીંક્યાં હતાં. વિષ્ણુ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. બાદમાં તેના પરિવારજનોને જાણ થતાં તેઓ તેને લઈ સરકારી હોસ્પિટલે પહોંચ્યાં હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મરણ જનાર વિષ્ણુ આરોપીઓના ઘરથી અડધો કિલોમીટર દૂર રહે છે. પોતાની પુત્રી સાથે વિષ્ણુના પ્રેમ સંબંધ અંગે જાણ થતાં પિતા માદેવા ઢીલાએ બે મહિના અગાઉ વિષ્ણુના પરિવારજનોને આ બાબતે ઠપકો આપ્યો હતો. બનાવ અંગે મૃતકના મોટા ભાઈ રાહુલ મણવરે આપેલી ફરિયાદ નોંધી પીઆઈ એસ.વી. ગોજીયાએ ગુનાના જરૂરી પૂરાવા અને કડીઓ એકત્ર કરવા સઘન તપાસ આદરી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
