<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મોરબી: કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  અઘ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે સાબરમતી ઓડીટોરીયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-૧,  સચિવાલય,  ગાંધીનગ૨ ખાતેથી બ્રિફિંગ મિટીંગનું આયોજન કરાયું હતું. આ મિટીંગનું જિલ્લા કક્ષાએ જીવંત પ્રસારણ કરાયું હતું.

આ  પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન બનીને દેશમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. આ મજબૂત પાયામાં એક પાયો શિક્ષણનો છે. આપણે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે મોટું યોગદાન આપી શકીશું. શિક્ષણમાં આપણે ડ્રોપ આઉટ રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છીએ અને હજુ આમાં સુધારો લાવી શકીએ છીએ. શિક્ષણ માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી પહોંચાડવાનો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની છે. શિક્ષણમાં ગ્રામ્ય સ્તરથી શહેર સુધીનું સ્તર એકસમાન થાય તે માટેના પ્રયત્ન કરવાના છે. આપણે નવી શિક્ષણ નીતિનો ઉપયોગ કરી આગળ વધી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે સારામાં સારું વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે તેનો પ્રયત્ન આપણે કરવાનો છે.

 

વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓને સુઆયોજિત રૂટનું આયોજન કરવા અને આ કાર્યક્રમમાં એક પણ શાળા બાકાત ન રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લાની તમામ સરકારી બાલવાટિકાઓ, પ્રાથમિક,માધ્ય. અને ઉ.માઘ્ય શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શિયલ શાળાઓમાં આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે.

(10:13 PM IST)