News of Tuesday, 25th June 2024
વિસાવદર-ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાના વાવડથી સોરઠના રાજકારણમાં ગરમાવો
રાજેશ ચૂડાસમા-જવાહર ચાવડા સહિતના નેતાઓના ચકચારી રાજકીય વાક્બાણના ધુંધવાતા માહોલમાં સોરઠમાં વધુ એક ચૂંટણી રાજ્યભરમાં ધ્યાનાકર્ષક બની રહેવાના એંધાણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫: વિસાવદર-ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણી (વાવની બેઠકની પેટા ચૂંટણી સાથે જ) યોજાવાના રાજકીય ગલીયારામાં વહેતા થયેલા વાવડથી સોરઠના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જૂનાગઢની બેઠક પર સતત ત્રીજીવાર ચૂંટાયેલ સાંસદ રાજેશભાઈ ચૂડાસમા, માણાવદરના પૂર્વ ધારાસભ્ય-પૂર્વ પ્રધાન જવાહરભાઈ ચાવડા સહિતના નેતાઓના તાજેતરના ચકચારી રાજકીય વાક્બાણથી ધુંધવાતા રાજકીય માહોલમાં સોરઠમાં વધુ એક ચૂંટણી યોજાશે તો રાજ્યભરમાં આ પેટા ચૂંટણી ધ્યાનાકર્ષક બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વિસાવદર-ભેસાણની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા આ બેઠક ખાલી પડી છે. જે કોર્ટ મેટર હોવાના લીધે બીજી બેઠકોની પેટા ચૂંટણી સાથે આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ન હતી તેમ જે તે વખતે બહાર આવ્યુ હતુ. હવે ગેનીબેન ઠાકોર સાંસદ બનતા તેમની ખાલી પડેલ વાવની બેઠકની પેટા ચૂંટણી સાથે વિસાવદરની બેઠકની પણ ચૂંટણી થાય તેવા ગઈકાલ રાત્રીથી વ્યાપક રાજકીય ચર્ચાઓ છે. જો કે, આ બાબતે હજુ કોઇ જ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
વિસાવદર-ભેસાણની બેઠક પર બબ્બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હર્ષદભાઈ રીબડીયા તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ ભુપતભાઈ ભાયાણી બન્નેએ પોતપોતાની પાર્ટીનો ત્યાગ કરી હાલ બન્ને નેતાઓ ભાજપમાં છે. તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપને ૧૯૫૫૮ મતની લીડ મળેલ છે. છેલ્લે ભુપતભાઈ ભાયાણી ૅઆપૅ છોડી ભાજપમાં આવેલ છે ત્યારે ટીકીટની શરતે જ આવેલ હોવાની સાર્વત્રિક રાજકીય માન્યતા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ પણ દાવેદારો મનાય છે.
દરમિયાન ગુજરાતની આ પ્રતિષ્ઠારૂપ વિસાવદર અને વાવની.બંને બેઠકો પર ઉમેદવાર કોણ..? તે અંગે અવનવી અટકળો જોરમાં છે..વાવ અને વિસાવદર બેઠક પર એકસાથે પેટાચૂંટણી યોજાશે તો કોંગ્રેસ-ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે એ નિヘતિ છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ફરી એકવાર પેટાચૂંટણીને લઇને ચર્ચા જોરમાં છે. આગામી દિવસોમાં વાવ અને વિસાવદરની પેટાચૂંટણી પણ એક સાથે - યોજવા રાજ્ય ચૂંટણી પંચે મન બનાવ્યુ હોવાની વ્યાપક રાજકીય ચર્ચા છે. અત્યારે તો આ બંને બેઠકો પર ઉમેદવારોને લઈને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા કોંગ્રેસ ઉત્સાહમાં છે.
આ બેઠક પર કોંગ્રેસે સક્ષમ ઉમેદવારની પણ શોધખોળ શરૂ કરી દીધી છે. આ તરફ, ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક રોકી છે ત્યારે ભાજપ માટે વાવ બેઠક જીતવી પડકાર સમાન છે. કેમ કે, લોકસભાની ચૂંટણીમા એક બેઠક જીત્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મમાં છે. બનાસકાંઠામાં ગાબડુ પડતાં ભાજપે આ બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે. આ વખતે યોજનારી વાવ બેઠકની પેટાચૂંટણી પણ હોટસ્પોટ બની રહેશે. આ જોતાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ભાયાણીને ટિકિટ આપે તેવી રાજકીય સંભાવના જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ ખંભાત, માણાવદર, વિજાપુર અને પોરબંદર બેઠક પર ભાજપે પક્ષ ત્યાગીને આવેલ નેતાઓને ટિકિટ આપી હતી તે પાંચેય ઉમેદવારો વિજેતા થયા છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
