<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જૂનાગઢની યુવતી પર કારમાં દુષ્‍કર્મ આચરનાર સિવિલ હોસ્‍પિટલના તબીબની શોધખોળ

(વિનુ જોષી દ્વારા)  જૂનાગઢ તા. ૨૫: જૂનાગઢની એક ૨૧ વર્ષીય યુવતી પર દુષ્‍કર્મ આચરનાર સિવિલ હોસ્‍પિટલના ડો. કેતન પરમારની  પોલીસે શોધખોળ હાથ ધરી છે

અત્રેની સિવિલ હોસ્‍પિટલના ક્‍વાર્ટરમાં રહેતો અને સિવિલનાં ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતો તબીબ કેતન પરમાર શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખાનગી હોસ્‍પિટલમાં ઓપરેશન કરવા જતો હતો. અહીં ર્લનિંગ ઇન્‍ટરશીપ કરવા આવતી ૨૧ વર્ષની યુવતીને દર્દીના ઓપરેશનના ફોટા મોકલીશ તેમ કહી તેના મોબાઈલ નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી.

આ કેસ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાએ જણાવ્‍યું હતું કે, સિવિલ હોસ્‍પિટલના તબીબ કેતન પરમાર સામે યુવતી પર દુષ્‍કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ થઈ છે.

આ તબીબ ધમકી આપી યુવતીને કારમાં ઝાંઝરડા ચોકડી થી નાંદરખી રોડ પર લઇ જઇ કેફી પીણું પીવડાવ્‍યું હતું. યુવતી નશામાં આવી જતા તેણી પર તબીબે દુષ્‍કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પરથી તપાસ હાથ ધરવામાં આવી છે.

 તપાસનીશ તાલુકા મહિલા પીએસઆઇ જે. ડી. દેસાઈએ  ફરિયાદના પગલે આરોપી કેતન પરમારની અટક માટે તેના ઘરે જઈને તપાસ હાથ ધરી હતી પરંતુ તબીબ મળી આવ્‍યો ન હતો. પોલીસે આ કેસમાં પંચનામુ, નિવેદનની કાર્યવાહીની સાથે યુવતીનું મેડિકલ સહિતની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:32 PM IST)