<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીના પ્રયાસોથી જર્જરિત બિલ્‍ડીંગ અને દુકાનો ખાલી કરવા સંમતિ

નોટીસો છતા જર્જરિત બિલ્‍ડીંગ ખાલી નહીં કરાતા કલેકટર દોડી ગયેલઃ તંત્ર દ્વારા પ્રેરક માનવીય અભિગમ

પોરબંદર,તા. ૨૫: જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીની સમજાવટથી ૧૨ દુકાન ધારક અને ૧૦ રેસીડેન્‍સી લોકોએ જર્જરિત બિલ્‍ડીંગ ખાલી કરવામાં સહમતિ આપી છે. પોરબંદરમા હીરાપન્ના કોમ્‍પ્‍લેક્‍સ અતિશય જર્જરીત બન્‍યો હોવાથી નોટિસ ફટકાર્યા બાદ પણ લોકો ખાલી ન કરતા હોવાથી કલેક્‍ટરશ્રીએ દુર્ઘટના ન સર્જાય તે પહેલા ખાલી કરવા જણાવ્‍યું હતું. આ વિષય તંત્રની કાર્યવાહી કરતા સૌની સલામતીનો છે તે માટે કલેક્‍ટરશ્રીએ સૌને સમજૂત કર્યા હતા.

ફલેટ ધારકોને અન્‍ય જગ્‍યાએ મકાન શોધી સ્‍વિફટ થવા માટે એક સપ્તાહનો સમય અપાયો છે. પોરબંદર શહેરમાં હીરાપન્ના કોમ્‍પલેક્ષ અતિશય જર્જરી બન્‍યું છે. અગાઉ બીપરજોય વાવાઝોડા દરમિયાન આ કોમ્‍પ્‍લેક્‍સ જર્જરિત બન્‍યો હોવાની ગંભીરતા લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. અને ખૂબ જ બિસ્‍માર બનેલ હીરાપન્ના કોમ્‍પ્‍લેક્‍સ માંથી ફલેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા જણાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તાજેતરમાં ચોમાસાનો શુભારંભ થયો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જોખમી બનેલ હીરાપન્ના કોમ્‍પલેક્ષ ખાલી કરવા માટે જણાવવામાં આવ્‍યું હતું. નગરપાલિકાના તંત્ર દ્વારા નળ કનેક્‍શન કાપવા અને દુકાનોમાં સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ૧૦ જેટલા ફલેટ ધારકો અને ૧૨ દુકાનદારો દ્વારા તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી કે.ડી. લાખાણીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ સોમવારના દિવસે નગરપાલિકાના તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રએ ફલેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા આદેશ કર્યો હતો. દુકાનદાર અને ફલેટ ધારકોએ જર્જરિત બિલ્‍ડીંગ ખાલી ન કર્યું હતું. અંતે જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીએ હીરાપન્ના કોમ્‍પ્‍લેક્‍સ ખાતે સ્‍થળ વિઝીટ કરી હતી. અને આ ખૂબ જ જર્જરીત બનેલ ઈમારતને નિહાળી હતી. આ મોટી ઇમારત ધરાશાય થાય તો આસપાસના અન્‍ય વિસ્‍તારોને પણ નુકસાન પહોંચી શકે તેવી સ્‍થિતિ જણાઈ આવી હતી. તેમજ જે પરિવારો ફલેટ ખાલી ન કરતા હતા, તેઓને તેમના જીવનું જોખમ હોવા અંગે જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીએ સમજાવટ કરી સમજૂત કર્યાં હતા. તેમની સમજાવટ બાદ આ જોખમી ઇમારત ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. અન્‍ય જગ્‍યાએ સ્‍વિફટ ન થાય અને તેમના સામાનની હેરાફેરી ન કરે ત્‍યાં સુધીનો સમય આપવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્‍ટર શ્રી સમક્ષ કરાઈ હતી, જેથી તેઓને અન્‍ય સ્‍થળે ઘરનો સામાન સીફટ કરવા સહિતનો સમય અપાયો હતો. આમ જિલ્લા કલેકટરશ્રીની સમજાવટથી હીરાપન્ના કોમ્‍પલેક્ષ ખાલી કરવાનો નિર્ણય થયો છે. જિલ્લા કલેક્‍ટર શ્રી કે.ડી. લાખાણીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વહીવટી તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. બસ સ્‍ટેશનથી જલારામ મંદિર માર્ગ ઉપર આવેલ અન્‍ય એક ખૂબ જ જર્જરીત બનેલી ઇમારતનું પણ જિલ્લા કલેક્‍ટર કે.ડી. લાખાણીએ નિરીક્ષણ કર્યા બાદ આ બિલ્‍ડીંગ જ જર્જરિત બન્‍યું હોવાથી તેમની તાત્‍કાલિક યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી.

 પોરબંદર જિલ્લામાં જે કોઈ બિલ્‍ડીંગ જર્જરિત છે અને ત્‍યાં રહેવાનું જોખમ રહેલું છે તે માટે સ્‍થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવે તો પરિવારજનોની સલામતી માટે ઘરના મોભીઓએ યોગ્‍ય નિર્ણય તંત્રને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે. દુર્ઘટનાઓમાં ઝીરો કેજયુઆલિટી નો સરકાર અભિગમ ધરાવે છે, એમાં સૌની સહભાગી જરૂરી છે. માત્ર નોટિસ આપવા સિવાય રૂબરૂ મુલાકાત અને માનવીય  અભિગમ સાથે સમજુત કરવાનો પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનો આ અભિગમ પ્રેરણાદાયી છે.

(1:58 PM IST)