<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

મોરબી: વાંકાનેરમાં હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સાતને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા.

કોર્ટે દરેક સજા સાથે દંડ પણ ફટકાર્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેરના કોઠી ગામમાં છેડતી બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી સાત ઇસમોએ જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧-૦૯-૨૦૦૪ ના રોજ કોઠી ગામે કથા અને ભજન કાર્યક્રમ મોડી રાત્રીના પૂર્ણ થતા મહિલા તેના બાળકોને લઈને અગાસી પર સુવા ગયેલ અને સુતા હોય ત્યારે આરોપીએ અગાસી પર જઈને છેડતી કરી હતી જે બાબતે ફરિયાદી સહિતનાને જાણ થતા આરોપીને ઠપકો આપી સમજાવવા જતા સમાધાન થઇ ગયું હતું અને બાદમાં આરોપીઓએ ઘરે આવી ગાળો આપી મોત નીપજાવે તેવા જીવલેણ ઘા કરી માથામાં ગંભીર ઈજા કરી હતી જે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.
   જે કેસ એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ કોર્ટમાં ૨૩ મૌખિક પુરાવા અને ૬૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને પગલે કોર્ટે આરોપીઓ ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડું સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા અને નાગજી દેવા સરૈયા રહે બધા કોઠી તા. વાંકાનેર વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯ મુજબના ગુનામાં દોષિત ઠેરવી સજા સંભળાવી છે જેમાં કોર્ટે દરેક આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ ૧.૨૦ લાખનો દંડ ફટકાર્યો છે તેમજ ઈજા પામનાર હઠાભાઈ ખેંગારભાઈને રૂ ૨ લાખ વળતર અને આરોપીઓ દંડની રકમ ભરે તે રૂ ૧.૨૦ લાખ સહીત કુલ રૂ ૩.૨૦ લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.

(9:36 PM IST)