<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

કચ્‍છનું માંડવી કોલેરાગ્રસ્‍ત જાહેર : ગટર મિશ્રિત પાણી થકી ઠેર ઠેર ઝાડા ઉલટીની બિમારી

હેલ્‍પ લાઈન નંબરો જાહેર કરી આરોગ્‍ય ટીમો ઉતારાઈ : ૭૪૪ ક્‍લોરિન ટેસ્‍ટમાં ૭૦૪ પોઝિટિવ : ૨૫ જુલાઈ સુધી કોલેરા ગ્રસ્‍ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૭: કેન્‍દ્ર સરકારની અમળત યોજના અને રાજ્‍ય સરકારની શહેરી વિકાસની કરોડો રૂપિયાની ગ્રાન્‍ટો મંજૂર થયા બાદ પણ કચ્‍છની તમામ નગરપાલિકાઓમાં ગટર તેમ જ પાણીના કામો ભ્રષ્ટાચાર થકી ખાડે ગયા છે. નીચે પ્રજાકીય પ્રતિનિધિઓ કે તંત્ર ઉપર સરકારનું જાણે કોઈ નિયંત્રણ ન હોય એવો તાલ છે. માંડવીમાં લાંબા સમયથી ગટર મિશ્રિત પાણીએ ઉધામો સર્જ્‍યો હોઈ ઝાડા ઉલ્‍ટીના કેસો સતત વધતાં રહ્યા છે. લગભગ ૨૫૦ થીયે વધુ દર્દીઓ સરકારી આને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ થયા હોવાના સમાચારો છે. તે વચ્‍ચે એક દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતાં સરકારના નિયમ અનુસાર માંડવી શહેરને કોલેરાગ્રસ્‍ત જાહેર કરાયું છે. જિલ્લા કલેકટર અમિત અરોરાએ આ અંગે ૨૬ જૂન થી ૨૫ જુલાઈ સુધી કોલેરાગ્રસ્‍ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્‍યું છે. માંડવી મામલતદાર વિનોદ ગોકલાણીને કોલેરા નિયંત્રણ અધિકારી જાહેર કરાયા છે. દરમ્‍યાન મામલતદારે આરોગ્‍ય અને સુધરાઈની ટીમ સાથે અગત્‍યની બેઠક યોજી કોલેરા નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આરોગ્‍યની ૨૫ ટીમો એ ૩૭૬૮ ઘરોનો સરવે કરી લીધો છે. જેમાં ૭૪૪ વ્‍યક્‍તિઓનો ક્‍લોરિન ટેસ્‍ટ કરાતા ૭૦૪ જણ ના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. માંડવી શહેર ના નાગરિકો માટે હેલ્‍પ લાઇન નંબર ૯૭૨૭૭૩૪૫૫૧ અને ૯૮૭૯૩૫૪૩૪૨ જાહેર કરાયા છે. તંત્ર દ્વારા લોકોને બહારની ચીજ વસ્‍તુઓ ખાવાનું ટાળવા અપીલ કરાઇ છે.

(10:48 AM IST)