News of Thursday, 27th June 2024
કાલાવાડના બાલંભડી, નપાણીયા ખીજડીયા, ભાડુકીયા, ખરેડી બેટમાં ફેરવાયાઃ ૬ ઇંચ વરસાદ
મેઘમહેર યથાવતઃ હાલારના શેઠવડાળામાં ૩ ઇંચ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે જામતુ ચોમાસુઃ દરરોજ વરસતો હળવો ભારે વરસાદ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બુધવારે ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડ તાલુકાના બાલંભડી, નપાણીયા ખીજડીયા, ભાડુકિયા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ થી છ ઇંચ વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને ગામ બેટમાં ફેરવાયા હતા. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચછમાં ધીમે ધીમે ચોમાસુ જામતુ જાય છે. દરરોજ કોઇ કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.
ગઇકાલે ટંકારામાં સાડા ચાર ઇંચ, કોડીનાર અને ગોંડલમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.
જામનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને ૬ ઇંચ વરસાદ પડયો છે. જેમાં કાલાવડના બાલંભડી, નપાણીયા, ખીજડીયા, ભાડુકીયા, ખરેડીમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડતા ગામડા બેટમાં ફેરવાયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : કાલાવડના ખરેડીમાં ૪ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતું. જયારે જામજોધપુરના શેઠ વડાળામાં ૩ ઇંચ, ધુનડામાં ર ઇંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત મોટા ખડવા, વાંસજાળીયા, નવાગામ, પીઠમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત હરીપર, ભણગોર, પીપરટોડા, ધ્રાફા, પરડવા, જામવાડી, સમાણા, મોટા પાંચદેવડા, ભલસાણ બેરાજા, નિકાવા, બાલંભા, અલીયાબાડા, જામવંથલીમાં ઝાપટાથી માંડીને ૧ ઇંચ વરસાદ પડયો છે.
બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહત્તમ તાપમાન ૩૬, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતિ ૪.૯ કિ. મી. રહી હતી.
છેલ્લા ર૪ કલાકમાં કાલાવડમાં પોણા ર ઇંચ, લાલપુરમાં ૧ ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
હળવદ
(દિપક જાની દ્વારા) ગઈકાલે સાંજ થી હળવદ તાલુકામા ગાજવીજ કરતી મેઘસવારી આવી પહોચી હતી અને સાંજના સાતેક વાગ્યાના અરસામાં હળવદ પંથકમાં કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હળવદ તાલુકાના જોગડ ગામે આકાશી વીજળી પડતા એક ખેતમજૂરનું મળત્યુ નીપજ્યું હતું જ્યારે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મળત્યુ નીપજ્યું હોવાનું અને એક કલાકમાં જ દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે બપોરે ટંકારામાં વરસાદ વરસ્યો હતો તો માળિયા પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી હતી માળિયા તાલુકામાં બપોરે વરસાદ વરસ્યો હતો માળિયાના વેણાસર, વેજલપર, ખાખરેચી, વીરવિદરકા સહિતના ગામોમાં વરસાદ શરુ થયો હતો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને સારા વરસાદની આશાએ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ-ધોરાજીમાં ફરી બીજા દિવસે ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો
ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ જતા મંગળવારે તેમજ બુધવારે બંને દિવસ અડધો અડધો ઇંચ વરસાદ પડતા ટોટલ એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
