<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

કાલાવડમાં મેઘરાજાની ધબધબાટી:અનેક ગામોમાં 5 ઇંચ સુધી વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર : દોઢ વર્ષના બાળક સહીત બે ના મોત

કાલાવડના ડેરી ગામમાં બળદગાડું તણાતાં દોઢ વર્ષના બાળકનું મોત મહિલા સહિત પાંચ સભ્યોનો બચાવ : જામજોધપુરના બમથિયા ગામમાં વીજળી ત્રાટકતાં ભરવાડ યુવાન અને 40 ઘેટાં-બકરાંનો ભોગ લેવાયો:કાલાવડના છતર ગામમાં વૃદ્ધને તણાતાં બચાવાયા

કાલાવડમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. હાલાર પંથકમાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને આજે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. કાલાવડ પંથકમાં અનેક ગામોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નપાણિયા ખીજડિયા-છતર-બાલંભડી તથા મોટા ભાડુકિયામાં 4 થી 5 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.કાલાવડના ડેરી ગામમાં બળદગાડું તણાતાં દોઢ વર્ષના બાળક તથા બે બળદનાં મોત થયા છે. જ્યારે જામજોધપુરના બમથિયા ગામમાં વીજળી ત્રાટકતાં ભરવાડ યુવાન અને 40 ઘેટાં-બકરાંનો ભોગ લેવાયો છે. કાલાવડના છતર ગામમાં વૃદ્ધને તણાતાં બચાવાયા છે.

કાલાવડ ટાઉનમાં ગઈકાલે બપોરે ૪ વાગ્યા થી છ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે થી પાંચ ઇંચ પાણી પડી ગયું હોવાના કારણે નદીનાળામાં પૂર આવ્યા છે. જેમાં ખાસ કરીને ખરેડી ગામમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડી ગયો છે. જામજોધપુર ટાઉનમાં ગઇકાલે સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એકથી બે ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને શેઠ વડાળામાં 70 મી.મી. તેમજ ધુનડા, ધ્રાફા અને પરડવામાં પણ એકથી અઢી ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે કેટલાક તળાવ- ચેકડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.

  જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કાલાવડમાં 42 મી.મી., લાલપુરમાં 24 મિમી. અને જામજોધપુરમાં 13 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મળેલા આંકડા મુજબ ખરેડીમાં 100 મીમી., શેઠ વડાળામાં 70 મી.મી., ધૂનડામાં 45 મી.મી, મોટા ખડબામાં 30 મી.મી., પીઠડ ગામમાં 28 મી.મી., બાલંભા ગામમાં 19 મી.મી. નવાગામમાં 37 મી.મી., સમાણામાં 17 મી.મી., મોટા પાંચ દેવડામાં 15 મી.મી., અને પીપરટોડામાં 30 મી.મી. વરસાદ નોંધાયો છે.

 કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં મેઘરાજા ખુશ થઈ ગયા અને ધમાકેદાર વરસાદ વરસાવ્યો હતો. નપાણીયા ખીજડીયા, છત્તર, બાલંભડી, મોટા ભાડુકિયા સહિતના ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ગઈકાલે સાંજ દરમ્યાન આ ગામોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. ઘણા વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

આ ભારે વરસાદથી ખેડૂતો ખુશ છે કારણ કે આ વરસાદ બાદ નવા વાવેતર અને પાકને ફાયદો થશે.. જોકે, ધોધમાર વરસાદના કારણે કેટલાક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. બાલમભડી ડેમમાં પાણીની આવક થઇ છે. આ ભારે વરસાદના કારણે બાલમભડી ડેમમાં નવા પાણીની આવકમાં વધારો થયો છે. આજે કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં મેઘરાજા ખુશ થઈ ગયા અને ધમાકેદાર વરસાદ વરસાવ્યો. સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

જામજોધપુર પંથકમાં બુધવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બમથીયા ગામમાં બપોરના સમયે ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષીય યુવાન ઘેટા-બકરા ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો. જે દરમિયાન વીજળી પડતાં આ યુવકનું અને 40 ઘેટા- બકરાનું મોત નીપજ્યું છે. બનાવના પગલે ભરવાડ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવ અંગે જાણ થતાં જામજોધપુરનો પોલીસ કાફલો અને મામલતદારની ટીમ પહોંચી હતી.

કાલાવડના ડેરી ગામમાં કરુણાજનક બનાવ બન્યો હતો. ડેરી ગામના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજાની વાડીમાં મધ્ય પ્રદેશના અલીરાજપુરનો પરિવાર ખેત મજૂરી કરતો હતો. ખેતી કામ પુરુ કરીને રીતેશ ધનસિંગભાઈ ડાવર અને તેમના પરિવારના મહિલા-બાળક સહિત પાંચ સભ્યો ભગત ખીજડીયા ગામે ગાડામાં બેસીને પરત ફરી રહ્યાં હતા. એ સમયે વરસાદના કારણે એક વોકળામાંથી 6 સભ્યો સાથે પસાર થઇ રહેલું બળદગાડું પાણીમાં તણાયું હતું. જેમાં બે બળદ અને દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે મહિલા સહિત પાંચ સભ્યોનો બચાવ થયો હતો.

(1:45 PM IST)