News of Friday, 28th June 2024
મોરબીના ભરતનગર, રોટરી ગ્રામ, રવાપર નદી ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો: ટીંબડી ગામે નાના બાળકોને આંગળી પકડી ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ અપાયો.
આંગણવાડી, બાલવાટિકાઅને ધોરણ-1 થી 8 ના બાળકોનો ઉત્સાહભેર પ્રવેશ અપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભરતનગર, રોટરીગ્રામ, રવાપર નદી ગામે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ.કે.વઢવાણિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી ના અધ્યક્ષ સ્થાન ગામની પ્રાથમિક શાળાઓમાં નાના નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાના ભૂલકાઓના ઉજ્જવળ ભાવિનો ઉત્સવ બન્યો છે.
ત્યારે મોરબી જિલ્લામાં ભરતનગરમાં આવેલા ગામોમાં મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભરતનગર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 2 , બાલવાટિકામાં 25 અને ધોરણ 1માં 23 બાળકો, રોટરી ગ્રામની અમરનગર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 6, બાલવાટિકામાં 19 અને ધોરણ 1માં 25 બાળકોને પ્રવેશ આપ્યો ત્યારે રવાપર નદી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 9, બાલવાટિકામાં 27 , ધોરણ 1માં 7 બાળકોને પા પા પગલી કરવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ભણતરનું મહત્વ વધે તેમ જ બાળકોને ભણવાની પ્રેરણા મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સરકારની શિક્ષણને લગતી તમામ યોજનાઓ જે છે તે તમામ યોજનાનો સદઉપયોગ કરીને બાળકને યોગ્ય શિક્ષણ આપવું તે દરેક મા-બાપની ફરજ છે .
દર વર્ષે યોજાતો શાળા પ્રવેશ ઉત્સવ તે દરેક સરકારી શાળાને સારા પરિણામો મળ્યા છે. અને આજે આ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યો છે અનેક બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે વાલી અને શિક્ષકો બંનેની મહત્વની ભૂમિકા છે. અને આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નીપૂર્ણ ભારત , નીપૂર્ણ ગુજરાત બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (IAS) એચ.કે.વઢવાણિયા અને ત્રણેય ગામના સરપંચ તેમજ શાળાના આચાર્યઓ, શિક્ષકઓ, ગ્રામજનો અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે ટીંબડી ગામે નાના બાળકોને આંગળી પકડી ઉત્સાહભેર આંગણવાડીમાં પ્રવેશ અપાયો.
નાના નાના ભૂલકાઓના કંકુ પગલાથી આંગણવાડી પાવન બની.
સમગ્ર રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શિક્ષાનો એક અનન્ય અવસર બની રહ્યો છે. શાળાના શિક્ષકો તેમજ બાલવાટિકાના બહેનો હોંશે હોંશે બાળકોને શાળા, આંગણવાડીના પટાંગણમાં આવકારી રહ્યા છે. ત્યારે મોરબી ઘટક-૨ માં અને ખાખરાળા સેજામાં આવતી ટીંબડી-૨ આંગણવાડી ખાતે નાના-નાના ભૂલકાઓને આંગળી પકડી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નાના-નાના બાળકોએ કંકુ પગલાં પાડી અને તેમની કાલી ઘેલી ભાષાથી આંગણવાડીને જાણે કે, પાવન બનાવી હતી.
આ કાર્યક્રમમાં ટીંબડી ગામના સરપંચ જ્યોત્સનાબેન વડસોલા, ટીંબડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી નિકુંજભાઈ બારૈયા, ગામના અગ્રણી રમેશભાઈ વડસોલા, જયસુખભાઇ તેમજ બહોળી સંખ્યમાં ગ્રામજનો હજાર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી ઘટક-૨ના CDPO ભાવનાબેન ચારોલા તેમજ સુપરવાઈઝર અંજલીબેન વીરડાના માર્ગદર્શન હેઠળ ટીંબડી ૨ આંગણવાડીના કાર્યકર દિવ્યાબેન દ્વારા કરવામાં આવ્યું હતું
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
