<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી બદલ મહુવાના બે શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૮: ભૂસ્‍તરશાષાીની કચેરી, ભાવનગરના રોયલ્‍ટી ઇન્‍સ્‍પેક્‍ટર એ.કે.ઠાકોર, સર્વેયર એ.એમ. વારોતરીયા, માઈન્‍સ સુપરવાઇઝર અનવરભાઈ હાસમભાઈ લાખા સહિતની ટીમ દ્વારા મહુવા તાલુકાના ગુંદરણી ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનન બાબતે કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન અલ્‍ફાજ યુનુસભાઈ સમા અને સિરાજ નાનુભાઈ બેલીમના મોબાઈલ ફોન ચેક કરતા તેમના મોબાઇલમાં ખનીજ ચોરી સાથે સંકળાયેલ ‘મહુવાની મોજ' નામનું વોટ્‍સએપ ગ્રુપ જોવા મળ્‍યું હતું. આ ગ્રુપમાં એડમીન તરીકે હાજીભાઈ સેંદરડા અને યુસુફ તેમજ અન્‍ય સ?ભ્‍યો જોડાયેલા હતા. આ ગ્રુપમાં અલગ અલગ સભ્‍યો દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના લોકેશન આપતા વોઇસ મેસેજ જોવામાં આવ્‍યા હતા તેમજ ‘ન્‍યુ પેટ્રોલિંગ' સહિતના ગ્રુપ પણ જોવામાં આવ્‍યા હતા જેમાં ખાણ ખનીજ કચેરી, આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓની અવરજવર પર નજર રાખી આ અધિકારીઓની પાછળ ફરી, તેમના ઘરની આજુબાજુ રહીને તેમને લગતી તમામ વિગતો વોટ્‍સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્‍યું હતું.

આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બંને ઇસમોના મોબાઇલ ફોન કબજે કરી ભૂસ્‍તરશાસ્ત્રીની કચેરીમાં માઇન્‍સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અનવરભાઈ હાસમભાઈ લાખાએ મહુવા ગ્રામ્‍ય પોલીસ મથકમાં અલ્‍ફાજ યુનુસભાઈ શમા (રહે.મહુવા) અને સિરાજ નાનુભાઈ બેલીમ (રહે. ભાદરા,તા. મહુવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ ૧૮૬ અને ૧૨૦-બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તેમજ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા બે મોબાઈલ ફોન પણ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વોટ્‍સએપ ગ્રુપમાં જોડાવા માટે મહિને ૧૫૦૦ સુધીનો ચાર્જ

ખાણ અને ખનીજ વિભાગ, આર.ટી.ઓ. સહિતના વિભાગના અધિકારીઓની જાસૂસી માટે અલગ અલગ નામથી વોટ્‍સએપ ગ્રુપ બનાવી આ અધિકારીઓનો પીછો કરી, તેમ જ તેમના ઘર,કચેરી પાસે રહીને તેમની ગતિવિધિની રજેરજની માહિતી આ પ્રકારના વોટ્‍સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ મારફત મૂકવામાં આવે છે, તેમજ અધિકારીઓના લોકેશન અને કામગીરીના ખાનગી રીતે ફોટા પાડીને પણ આ ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવતા હોવાનું ખુલ્‍યું છે. જાસુસી માટેના આ પ્રકારના ગ્રુપમાં સભ્‍યને જોડવા માટે એક નંબર દીઠ દર મહિને રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ જેટેલી રકમની વસૂલાત કરવામાં આવતી હોવાનું પણ ખાન અને ખનીજ વિભાગના અધિકારીએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

(10:51 AM IST)