<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પોરબંદરના ર બોટ માલીકોને સરકારની યોજના હેઠળ વળતરની બાકી રકમ ચુકવવા હાઇકોર્ટનો આદેશ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૮: સરકારની અગાઉની યોજના હેઠળ ર બોટ માલીકોને વળતરની બાકી રકમ ચુકવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

જળસીમાએ પાકિસ્‍તાન મરીન દ્વારા ફિશીંગ બોટ સાથે અપહરણ કરી ગયેલ ભારતીય માછીમારોને સમયાંતરે છોડી દેવાય છે. પરંતુ પાકિસ્‍તાન સરકાર ફિશીંગ બોટ પરત ન આવતી હોય આ સંબંધે અગાઉની સરકારની યોજના મુજબ લીસ્‍ટ મુજબ બોટના માલીકોને ૧૧-૧૧ લાખ વળતર તરીકે ચુકવવાનું મંજુર થયું હતું.

જેમાંથી પ લાખનું વળતર ચુકવાયુ હતું. બાકીનું વળતર ચુકવવા હાઇકોર્ટમાં રીટ કરાતા ર બોટ માલીકોને બાકી વળતર ચુકવી આપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.પાકિસ્‍તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ સાથે લઇ જવાયેલી બોટ પાકિસ્‍તાન દ્વારા માછીમારોને સજા પુરી થતા છોડી દેવા સમયે બોટ પરત ન અપાતી હોય આ પ્રશ્ને તે વખતે કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે રહેલા અર્જુનભાઇ મોઢવાડીયાએ સરકારમાં ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી હતી. ત્‍યાર પછી પાકિસ્‍તાન દ્વારા જપ્‍ત થયેલ બોટોના માલીકોને ૧૧-૧૧ લાખ વળતર આપવાનું સરકાર દ્વારા મંજુર થયું હતું.

સમયાંતરે જે તે બોટ માલીકોને ૧૧ લાખમાંથી પ લાખની રકમ સરકાર દ્વારા ચુકવાય હતી. કેટલાક બોટ માલીકોને બાકીની રકમ ચુકવાઇ ન હોય આ બાબતે માછીમાર આગેવાન મધુભાઇ મંગાભાઇ સોનેરીના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટમાં રીટ કરતા હાઇકોર્ટ દ્વારા બોટ માલીકો દિવાળીબેન ધનજીભાઇ અને રામીબેન જાદવભાઇને સરકારની યોજના હેઠળ ચુકવવાનું બાકી વળતર આપી દેવા સરકારને આદેશ કર્યો છે.

(11:40 AM IST)