<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રંગપરની કેનાલમાં માછીમારી કરવા જતાં ડૂબી જવાને લીધે સરપદડના પ્રવિણ મકવાણાનું મોત

પરમ દિવસે ડૂબ્યા બાદ ગઇકાલે ફુલાઇ ગયેલી લાશ મળતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨૯: પડધરીના સરપદડમાં રહેતો યુવાન પરમ દિવસે નજીકના રંગપર ગામે કેનાલમાં માછીમારી કરવા જતાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. પરમ દિવસે તે ડૂબી ગયા બાદ ગઇકાલે રાતે કોહવાઇ ગયેલી ફુલાઇ ગયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ સરપદડ રહેતો અને કડીયા કામની મજૂરી કરતો પ્રવિણભાઇ લાભુભાઇ મકવાણા (ઉ.વ.૩૫) પરમ દિવસે સાંજે પોતાના ગામથી પાંચેક કિ.મી. દૂર રંગપર ગામની કેનાલે માછીમારી કરવા ગયો હતો. કેનાલની જાળી પાસે જઇ તે માછીમારી કરતો હતો ત્યારે અંદર પડી ગયા બાદ જાળી બંધ થઇ જતાં ડૂબી ગયો હતો.

મોડી રાત સુધી તે ઘરે ન આવતાં પરિવારજનો શોધખોળ કરવા રંગપરની કેનાલે પહોંચતા ત્યાં તેના ચપ્પલ, મોટરસાઇકલ, શર્ટ મળ્યા હતાં. આથી તે પાણીમાં ગરક થઇ ગયાની શકયતા જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં પડધરી પોલીસે તરવૈયાઓને લઇને ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરાવી હતી. અંતે ગત રાતે પ્રવિણભાઇની ફુલાઇ ગયેલી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતદેહ ફુલાઇ ગયો હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. મૃત્યુ પામનાર પ્રવિણભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:56 AM IST)