<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જુનાગઢના કોલેજ લેકચરર સાથે થઇ ૧૪ લાખની 'સાઇબર

ઠગાઇ' : ૬ દિ' 'ડિજીટલ એરેસ્ટ' સ્થિતિમાં રહ્યાં પોતાને કાયદાના રખેવાળો ગણાવી તમે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ છો એવું કહી ચૂનો લગાડયો

રાજકોટ, તા.૨૯: જુનાગઢના એક લેકચરર સાથે અનોખા પ્રકારની ઠગાઇ થયાનું બહાર આવ્યુ છે જેમાં તેમણે રૂ.૧૪ લાખ જેવી રકમ ગુમાવી છે. પોતાને કાયદાના રખેવાળો તરીકે ઓળખ આપનાર 'સાઇબર ગઠિયા'ઓએ તેમને એવું કહી ડરાવ્યા હતા કે તમે કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સામેલ છો આટલાથી પતતું નથી 'સાયબર ઠગો'એ આ ભોળા લેકચરને ૬ દિવસ સુધી 'ડિજીટલ એરેસ્ટ' અવસ્થામાં રાખ્યા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર જાગી છે.

આ ઘટનાની વિગત એવી છે કે મુંબઈ કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે દેખાતા છેતરપિંડી કરનારાઓએ પીડિત અમિતાભ મપદારને વીડિયો કૉલિંગ એપ ઝૂમ પર લાઈવ રહીને પોતાને અને તેની પત્નીને છ દિવસ સુધી તેમના ઘરમાં બંધ રાખવા દબાણ કરવા માટે ડરાવવાની યુકિતઓ અને બનાવટી તાકીદનો ઉપયોગ કર્યો હતો.

જૂનાગઢની સરકારી આયુર્વેદિક કોલેજમાં છેલ્લાં પાંચ વર્ષથી લેકચરર તરીકે ફરજ બજાવતા મપદારને ૧ જૂનના રોજ એક અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો કે જેણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી હતી.

તેણે મપદારને જણાવ્યું હતું કે તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મુંબઈથી તાઈવાન મોકલવામાં આવ્યું હતું અને તેમાં ડ્રગ્સ સાથે ક્રેડિટ કાર્ડ, રૂ. ૩૫,૦૦૦ રોકડા અને ચાર કિલો કપડા હતા.

જ્યારે મપદારે કોઈપણ કુરિયર મોકલ્યાનો ઇનકાર કર્યો, ત્યારે ફોન કરનારે તેને અન્ય વ્યકિત સાથે જોડ્યો જેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીનો ઢોંગ કર્યો હતો અને તેને કહ્યું હતું કે ડ્રગ્સની તપાસ શરૂ થશે તો તેણે ૯૦ દિવસ જેલમાં પસાર કરવા પડશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

તો મપદાર ડરી ગયા, ત્યારે ફોન કરનારે એવું કહ્યું કે જો તપાસમાં સહકાર આપશે તો અમારા દ્વારા હળવાશ રખાશે. ત્યારબાદ કોલ કરનારે મપદાર અને તેની પત્નીને છ દિવસ સુધી સતત ઓનલાઈન રહેવા દબાણ કર્યું. લેકચરરને Skype એપ ડાઉનલોડ કરવા અને ઓળખનો પુરાવો આપવા માટે સૂચના આપવામાં આવી હતી. મપદારે પોલીસને જણાવ્યું કે તે નિર્દોષ હોવાથી અને તપાસમાં સહકાર આપવા તૈયાર હોવાથી તેણે તેનું પાલન કર્યું.

સ્કાયપે પર જે વ્યકિતનો ચહેરો દેખાતો ન હતો તેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું નકલી આઈડી બતાવ્યું અને મપદારને કહ્યું કે કર્ણાટક અને ગોવામાં તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

કોલ કરનારે તેમને RBI દ્વારા વેરિફિકેશન માટે ICICI એકાઉન્ટમાં તમામ ફંડ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ત્યારબાદ મપદારે તેના મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેરબજારના રોકાણોને વેચીને કોલર દ્વારા આપવામાં આવેલા ખાતામાં રૂ. ૧૪.૧૮ લાખ ટ્રાન્સફર કર્યા.

(11:58 AM IST)