<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

સવા લાખની લાંચ લેતા ઝડપાયેલ પૂર્વ ના. મામલતદારને ૪ વર્ષની જેલ, સવા લાખ રૂ. દંડ

લાંચિયા કર્મચારીઓ ઉપર ભુજ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ર૯: સરકારનો મસ મોટો પગાર મળવા છતાંયે અરજદારોના કામ માટે લાંચ લેવાનો આગ્રહ રાખનાર સરકારી બાબુઓ માટે ભુજ એસીબી કોર્ટના જજ એસ.એમ. કાનાબારે પૂર્વ ના. મામલતદારને ૪ વર્ષની જેલ તેમ જ સવા લાખ રૂ. નો રોકડ દંડ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ ગત ૫ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભુજમાં જિલ્લા કલેકટર કચેરીમાં આવેલી પુરવઠા શાખામાં છટકું નાયબ મામલતદાર ગોઠવી જગદીશ દામજી ઠક્કરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. આરોપી ના. મામલતદાર જગદીશ ઠક્કરે લાયસન્સ કાઢી આપવાની અવેજમાં સવા લાખ રૂપિયાનો વહેવાર કરવો પડશે તેમ જણાવેલું. અરજદારે નાણાં આપવાની સંમતિ દર્શાવતાં તેણે જરૂરી પ્રક્રિયાઓ કરી લાયસન્સ કાઢી આપ્યું હતું. ત્યારબાદ તેણે ફોન કરી નાણાં અંગેની માંગણી કરી હતી. અરજદારે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતાં એસીબીએ ટ્રેપ ગોઠવી જગદીશ ઠક્કરને લાંચ લેતા પકડી પાડ્યો હતો. આ કેસમાં એસીબી વિશેષ કોર્ટના જજ એસ.એમ. કાનાબારે ૪૧ દસ્તાવેજી પૂરાવા અને ૭ સાક્ષીઓની જુબાની સહિતના પૂરાવા અનુલક્ષીને આજે દોષીને ચાર વર્ષની સખત કેદ કરવા સાથે સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં એસીબી તરફે ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી.

(12:35 PM IST)