<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કચ્છમાં 'હરખ'નો વરસાદ: મુન્દ્રા ૪.૫ ઈંચ, ભુજ ૨.૫, માંડવી, અંજાર, ગાંધીધામ ૧.૫, અબડાસા ૧ ઈંચ

કચ્છના શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત પાલિકા તંત્ર નિષ્ફળ, ઠેર ઠેર ભરાયા પાણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :મેઘરાજાની મહેર સાથે કચ્છમાં હરખનો વરસાદ વરસતાં લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મુન્દ્રામાં સાડા ચાર ઈંચ, ભુજમાં અઢી ઈંચ, માંડવી, અંજાર, ગાંધીધામમાં દોઢ ઈંચ, અબડાસા ૧ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો ક્યાંક ધીમો તો ક્યાંક ઝાપટાં સાથે વરસાદ પડ્યો છે. કચ્છના શહેરી વિસ્તારોમાં વરસાદે પ્રિ મોન્સુન કામગીરી ની પોલ ખોલી નાખી હતી. ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી શહેરી વિસ્તારોમાં ભાજપનું જ શાસન છે. ચોમાસા પહેલાં પ્રિ મોન્સુન કામગીરી માટે લાખો નો ખર્ચ કર્યાની જાહેરાતો થાય છે. પણ, ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા એ લોકો માટે મુશ્કેલી સર્જી હતી. તો, રસ્તામાં ખાડા પડવા ઉપરાંત ગટર નું પાણી, અને ગટર તેમ જ પાણીની લાઈન માટે ખોદેલા ખાડા મુશ્કેલી રૂપ બન્યા હતા. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો આનંદમાં છે. વરસાદને કારણે ખેતરોમાં વાવણી ઉપરાંત નદી, નાળા, ડેમ માં નવા નીર આવ્યા છે.

(9:44 AM IST)