News of Monday, 1st July 2024
ગિરનાર તેમજ જૂનાગઢમાં સતત વરસાદ : અંડરબ્રિજમાં પાણી ભરાયા
દામોદર કુંડ, નરસિંહ તળાવમાં નવા નીરની આવક : અંડરબ્રિજમાં કાર ફસાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ : ગિરનાર તેમજ જુનાગઢ વિસ્તારમાં મોડી રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો હોય જનજીવનને અસર થઈ છે. રવિવારે હળવો વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રીથી થાકયા વગર આજે બીજા દિવસે પણ સતત મેઘક કળપા વરસી રહી છે.
ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારમાં પણ મેઘરાજા તૂટી પડ્યા છે. રવિવારથી શરૂ થયેલી મેઘ સવારીના પરિણામે ગિરનાર પર્વત પરથી પાણીના ઝરણા શરૂ થઈ ગયા છે. જેના પગલે દામોદર કુંડ અને સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ છે.
આ જ પ્રમાણે દાતાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં પણ મોડી રાત્રેથી વરસાદ હોય વિલિંગડન ડેમમાં નવું પાણી શરૂ થયું છે. અને કાળવાના વોકળામાં પણ પાણી વહેતા થઈ ગયા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢમાં ૧૦૬ મી વરસાદ નોંધાયા બાદ આજે સવારના પ્રારંભિક બે કલાકમાં વધુ દોઢ ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાં નવા નિરની આવક થઈ છે. રાબેતા મુજબ શહેરના અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઝાંઝરડા અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી પરંતુ ફાયર બ્રિગેડ અને પોલીસની જહેમતથી કારને બહાર કાઢવામાં આવી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
