<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કચ્છમાં વ્હાઈટ કોલર દાણચોરો બેફામ: ૫.૪૦ કરોડની સોપારીની દાણચોરી ઝડપાયા બાદ ચોખાના ૪૦ કન્ટેનર અટકાવાયા

હજી સોપારીના વધુ ૪ કન્ટેનર શંકાના દાયરામાં, કેન્દ્ર સરકારની એજન્સીઓ સયુંકત તપાસ કરે તો કરોડોનું દાણચોરીનું રેકેટ નીકળે, તપાસ કામગીરીની વિગતો જાહેર કરવામાં ખચકાટ કેમ?

તસવીરમાં કન્ટેનરની પ્રતિકાત્મક તસવીર નજરે પડે છે.

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કેન્દ્ર સરકારની ઉદાર આયાત અને નિકાસ નીતિનો ગેરલાભ લઈ સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરતા ગદ્દાર દેશદ્રોહી વ્હાઈટ કોલર દાણચોરો ઉપર એજન્સીઓની સયુંકત તપાસ કરાય તો હવાલાનું પણ મોટું રેકેટ ઝડપાય એમ છે. અમદાવાદ ડીઆરઆઈએ અમદાવાદની વર્સુલ નામની કંપની દ્વારા મુન્દ્રા બંદરે સોપારી સોપારીની નિકાસ કરવાને બદલે રેતી, માટી અને વેસ્ટ નો જથ્થો નિકાસ કરવાનું ૫.૪૦ કરોડનું કસ્ટમ ડ્યુટી ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. તે વચ્ચે એકાએક જાગૃત થયેલા કંડલા ઝોનના કસ્ટમ યુનિટે અમદાવાદની આ જ કંપનીના ૪ કન્ટેનરો ઝડપી જપ્ત કર્યા છે. આ ૪ કન્ટેનર કંડલા સેઝથી મુન્દ્રા બંદરે મોકલાવી ત્યાંથી વિદેશ નિકાસ કરવાના હતા. અટકાવાયેલ આ ૪ કન્ટેનર શંકાસ્પદ માં ૮ કરોડ નો ડ્યુટી ચોરીનો ગફલો નીકળે એવું મનાય છે. જોકે, હજી સત્તાવાર તપાસ અને વિગતો અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આ ચર્ચાઓ વચ્ચે ગાંધીધામ ડીઆરઆઈએ મુન્દ્રા બંદરેથી નિકાસ થનાર ચોખાના ૪૦ કન્ટેનર અટકાવ્યા છે. આંધ્રપ્રદેશની પાર્ટી દ્વારા દુબઈ નિકાસ થનાર ચોખાના આ કન્ટેનરમાં નિકાસ માટે પ્રતિબંધિત નોન બાસમતી ચોખાનો જથ્થો હોવાનું મનાય છે. કેન્દ્ર સરકારે નોન બાસમતી ચોખા ની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ તપાસ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. કસ્ટમ તેમ જ ડીઆરઆઈ બન્ને એજન્સીઓએ આયાત નિકાસ ના ઝડપાતાં કૌભાંડની વિગતો જાહેર કરવી જોઈએ. બન્ને એજન્સીના પીઆરઓ છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારની પીઆઈબી તેમ જ રાજ્ય સરકારનું માહિતી ખાતા દ્વારા પણ આ એજન્સીઓની કામગીરીની નોંધ પ્રસાર માધ્યમો માં આવે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો, કૌભાંડી એવા ગદ્દાર દેશદ્રોહી તત્વો ની વિગતો સમાજ અને દેશના લોકો સુધી પહોંચે અને લોકોને કાયદા ના હાથ લાંબા હોવાની.પ્રતીતિ થાય.

          

(1:26 PM IST)