<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળ મગ્ન બનતા ઠેર ઠેર ટ્રાફિકજામ.

તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા : શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયાં

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સોમવારે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે મોરબીમાં મુખ્ય માર્ગો સહિત ઠેર ઠેર પાણી ભરાતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

   સોમવારે સાંજે 6.30 વાગ્યે શરૂ થયેલા વરસાદના કારણે મોરબી શહેરના તમામ મુખ્ય સહિતના માર્ગો જળ મગ્ન બની ગયા હતા. સાંજે 7.30 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાંજના સમયે કામથી ઘરે પરત ફરવાના સમયે દરેક વિસ્તારોમાં અને ખાસ કરીને શનાળા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી સહિતા વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક જામના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે મોરબી પાલિકા તંત્રની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.
સોમવારે 8.00 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લા નોંધાયેલા વરસાદની વિગત.
મોરબીમાં સોમવારે સાંજે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ધોધમાર વરસાદના પગલે મોરબીમાં ઠેર ઠેર પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.
સાંજે 6 થી 8 સુધીમાં મોરબી 57 મી.મી. ટંકારા 55 મી. મી. નોંધાયો હતો. જ્યારે સવારે 6થી સાંજના 8 સુધીમાં મોરબી : 60 ટંકારા : 68 મી.મી. નોંધાયો હતો.
મોરબીના નહેરૂ ગેટ પાસે દુકાનમાં પાણી ઘુસ્યા.
મોરબીમાં મેઘરાજાએ સાંજના અરસામાં સટાસટી બોલાવી છે. ત્યારે નહેરુ ગેટ પાસે બુઢ્ઢા બાવા વારી લેનમાં એક દુકાનમાં અંદર વરસાદી પાણી ઘુસ્યા હતા. વરસાદને કારણે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયા છે. જેના કારણે અમુક વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મેઘરાજા હેત વરસાવી રહ્યા હોય લોકોમાં રાજીપો પણ જોવા મળી રહ્યો છે.

(12:58 AM IST)