<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગુજરાતમાં ગ્રામ પંચાયત કક્ષાએ પાણી પુરવઠાની સૌથી મોટી યોજના મોરબીના રવાપરને અર્પણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે ૩૬.૭૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત મચ્છુ – ૨ ડેમ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું જળ સંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિધિવત પૂજન કરી અને રીબીન કાપી યોજના મોરબીને અર્પણ કરી હતી.

   આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના ઇતિહાસમાં આ સૌથી વધુ ક્ષમતા વાળી પાણી પુરવઠા યોજના રવાપર ગ્રામ પંચાયતને મળી છે. આ યોજના થકી અંદાજિત ૯૦ હજાર જેટલી વસ્તીને પીવાનું પાણી મળી રહેશે. મોરબી જિલ્લામાં ૧૬૦ કરોડના ખર્ચે વિવિધ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાઓ બની રહી છે આ યોજનાઓ થકી મોરબી જિલ્લાના તમામ ગામોમાં વ્યક્તિદીઠ ૧૦૦ લિટર તેમજ શહેરી વિસ્તારમાં ૧૪૦ લિટર પાણી મળતું થશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓના પાણીનો પ્રશ્ન ન રહે તેવો સરકારશ્રીનો અભિગમ છે. જો સૌની યોજના ન બની હોત તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સ્થળાંતર થઈ ગયું હોત તેવું જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતો સધ્ધર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
   મોરબી પાણી પુરવઠા વિભાગ દ્વારા ૩૩,૭૭,૧૩૮૭૭.૪  કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૮ એમએલડી ક્ષમતા સાથેના ફિલ્ટર પ્લાન્ટ ધરાવતી આ યોજના મચ્છુ – ૨ ડેમ આધારિત છે. આ યોજનામાં ફિલ્ટર પ્લાન્ટ હેડ વર્કર્સ ખાતે ૨૮ એમએલડી ફિલ્ટર પ્લાન્ટ, ૧૨૦ લાખ લીટરની ક્ષમતાનો ક્લિયર વોટર પંપ, ૪૦ લાખ લિટર ક્ષમતાની ૧૨ મીટર ઊંચી ટાંકી અને સેક્શન ટાઈપના પંપ સાથેનો પંપિંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવ્યા છે. આ યોજના થકી રવાપર ગામ અને આસપાસની સોસાયટીઓ અને વિસ્તારમાં ૯૦ હજાર જેટલી વસતીને ૩૦ વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે.

(9:31 AM IST)