News of Friday, 5th July 2024
બુટલેગર સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી આબુથી દારૂ લાવી હતીઃ પોલીસ બન્નેને લઈ રાજસ્થાન તપાસ માટે જશે
બન્ને બે દિ'ના રિમાન્ડ પર, ઉચ્ચ સંપર્કો તેમ જ સોશ્યલ મીડિયામાં હાઈફાઈ બિન્દાસ્ત ગ્લેમરસ પોસ્ટ થકી ચર્ચામાં રહેનાર નીતા ચૌધરી પરિણીત અને એક સંતાનની માતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૫: કચ્છના ચોપડવા ગામ પાસે પોલીસ ટીમ દ્વારા થાર જીપને અટકાવવાના પ્રયાસ દરમ્યાન વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ગ્લેમરસ સોશ્યલ મીડિયા પોસ્ટ ને કારણે વધુ ચર્ચામાં છે. સીઆઈડી ક્રાઈમ જેવી પોલીસની મહત્વની શાખામાં ફરજ બજાવતી આ લેડી કોન્સ્ટેબલ અને તેની સાથે ઝડપાયેલ બુટલેગર ઉપર પોલીસ ટીમ ઉપર જીપ ચડાવી હત્યાના પ્રયાસ અંગેનો ગુનો દાખલ છે.
જોકે, આ ગુનામાં તે મહિલા હોઈ અને તેણી એક સંતાનની માતા હોઈ તેને ભચાઉ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. જયારે તેની સાથે રહેલ બુટલેગર યુવરાજસિંહે આ ગુનામાં જામીન અરજી કરી નથી. દરમ્યાન બન્ને ઉપર અન્ય ગુનો દારૂબંધીનો છે. સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ અને બુટલેગરની થાર જીપમાંથી દારૂ તેમ જ બીયર ની બોટલ મળી આવી હતી. આ દારૂ ખુદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી આબુ થી લાવી હતી. આ ગુનામાં પોલીસને બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મળ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ પોલીસ નીતા ચૌધરી અને જેના ઉપર ૨૧ ગુના દાખલ છે એવા વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ ને લઈ રાજસ્થાન જશે તેમ જ પોલીસ અને ગુનેગાર વચ્ચે શું સંબંધ છે એની તપાસ કરશે.
એક મહિલા તેમજ એક સંતાનની માતા હોઈ હેડ કોનસ્ટેબલ નીતા ચૌધરીને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં જામીન મળ્યા છે. દરમ્યાન મળતી માહિતી મુજબ પરિણીત નીતાના પતિ ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્તરે રાજકારણ માં છે. એ સાથે જ સોશ્યલ મીડિયામાં ગ્લેમરસ લુક અને બિન્દાસ્ત કોમેન્ટ સાથે છવાયેલી રહેતી નીતા ચૌધરીના ઉચ્ચ સંપર્કો હોવાની ચર્ચા છે. બે દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસ શું માહિતી મેળવે છે એ જોવું રહ્યું. જોકે, હત્યાના પ્રયાસના કેસમાં મળેલ જામીન ને પોલીસ સેશન્સ કોર્ટમાં પડકારશે એવી પણ ચર્ચા છે જોકે, રાજયના પોલીસ બેડામાં ચકચાર સર્જનાર આ કેસમાં એસીબી તપાસમાં ઝુકાવે તો વધુ નવાજૂની થાય એવી પણ ચર્ચા છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
