<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

જૂનાગઢમાં રથયાત્રાને લઇ ભારે ઉત્‍સાહ, મગ સહિત ૭૫ કિલો પ્રસાદનું થશે વિતરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૫: જૂનાગઢમાં રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેને લઇને ભાવિકોમાં ભારે ઉત્‍સાહ ઉમંગ પ્રવર્તે છે.

જૂનાગઢમાં ગંધ્રપ વાડામાં બિરાજતા ભગવાન જગન્નાથજી રવિવારે નગર ચર્યાએ નીકળશે. પ્રાચીન જગન્નાથજી મંદિરેથી રથયાત્રાનો શુભારંભ થશે. જેના ઉપલક્ષમાં જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ પર મગ સહિત ૭૫ કિલો પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવશે.ᅠ

રથયાત્રાના ભાગરૂપે ભગવાન સત્‍યનારાયણની કથા, વિષ્‍ણુયાગ યજ્ઞ, ભોજન સંધ્‍યા સહિતના કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્‍યા છે.ᅠ

સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાનનું શાહી સ્‍નાન, બીજ હાંડી ભોગ આરતી ત્‍યારબાદ બપોરે ૩ કલાકે ૨૦મી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાવવામાં આવશે.

રથયાત્રા મહોત્‍સવ અંતર્ગત મંદિરને વિવિધ સુશોભન અને રોશનીનો શણગાર કરવામાં આવ્‍યો છે. મહોત્‍સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ પર ભાવિક ભક્‍તજનોને રેવડી, મીઠા દાણા, સાક, સિંગ અને મગ સહિત ૭૫ કિલોથી વધારે પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાના સમાપન બાદ દર્શનાર્થીઓને મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે.

ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળવાના હોય જેના દર્શન માટે ભાવિકો અધીરા બન્‍યા છે.

(1:24 PM IST)