News of Friday, 5th July 2024
૫૦૦ મીટરનો રસ્તો કાપવા ૫ કિ.મી.નો ફેરો કરવો પડે છે !!
ખંભાળીયાના કેનેડી બ્રીજનો ડાયવર્ઝન કોણ બનાવશે? નગરપાલિકા કે પીડબલ્યુડી? મુળુભાઈ બેરાએ પણ તરત કામ હાથ ધરવા તાકીદ કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૫ : ઘી નદી પર ખામનાથ પાસે બે વર્ષથી ૧૨૦ વર્ષ જૂનો રાજાશાહીના સમયનો કેનેડી બ્રીજ જર્જરીત થઈ ગયો હોય વારંવારની રજૂઆતો થઈ રાજય સરકારે ખાસ કિસ્સામાં ૨૫.૬૪ કરોડ રૂપિયા ફાળવીને તેમાંથી તુરંત કામ ચાલુ થાય તે માટે સાડા ૬ કરોડની રકમ પણ પ્રાદેશિક નિયામક રાજકોટને ફાળવી દેવાઈ છે. પણ પીડબલ્યુડી તંત્રમાં બદલાતા અધિકારીઓ અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને લીધે નવા બનનાર બ્રીજનું કામ શરૂ થયુ નથી. તાજેતરમાં ૨૭ ઈંચ વરસાદ પડતા પાલિકા દ્વારા શરૂ કરાયેલ ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા ધોવાઈ જતા હાલ રોજ અનેક ટુવ્હીલર ચાલકો પડે છે, તો ફોર વ્હીલર ફસાઈ જવાની ઘટનાઓ પણ બને છે ત્યારે ગઈકાલે આ ડાયવર્ઝનમાં પણ નવુ ‘ડાયવર્ઝન' આવ્યુ છે.!!
અગાઉ બે વખત પાલિકા દ્વારા કરવામાં આવેલ ડાયવર્ઝન અંગે પાલિકા દ્વારા એમ કહેવાયુ છે કે આ મુળ પીડબલ્યુડી હસ્તક બનવાનો હોય તેમણે ડાયવર્ઝન કરવાનું રહે, અમારી જવાબદારી નથી !!
તો પીડબલ્યુડીના જવાબદારીએ જણાવેલ કે હજુ જીએડીમાં નકશા પાસ થવાનું કાર્ય ચાલુ છે. જે પછી ટેંડરીંગ પ્રક્રિયા થશે. એકાદ માસ પછી કામનો ઓર્ડર અપાશે. કામ ચાલુ થાય પછી ડાયવર્ઝન અમારાથી થઈ શકે હાલ થાય નહિં.
આમ પાલિકા અને પીડબલ્યુડી વચ્ચે પણ ડાયવર્ઝન તેનો વિવાદ થતા ડાયવર્ઝનની પ્રક્રિયા ખોરંભે પડી છે. જો કે પાલિકાને ડાયવર્ઝનના કામની રકમ ફાળવાય તો કરવા તૈયારી બતાવાઈ છે ત્યારે આ પ્રશ્ન જીલ્લા કલેકટર સુધી પહોંચ્યો હતો તથા તેમણે પણ બંને તંત્રને તુરંત રસ્તો કાઢવા જણાવ્યુ છે.
આ ડાયવર્ઝન બંધ રહેતા પોરબંદર તથા ભાણવડ જવા માટે લોકોને પાંચ કિ.મી.નો ફેરો થાય છે તથા સ્થાનિકોને ૫૦૦ મીટર જવા ૫ કિ.મી. જવુ પડે તેવી સ્થિતિ હોય લોકોમાં રોષની લાગણી પણ ફેલાઈ છે.
ગઈકાલે રાજયમંત્રી શ્રી મુળુભાઈ બેરા કે જેઓ ખંભાળીયાના ધારાસભ્ય પણ છે તેમણે પણ પીડબલ્યુડીના અધિકારીને સુચના આપી પુલના કામની પ્રક્રિયા ઝડપી કરવા તથા ડાયવર્ઝન અંગે રસ્તો કાઢવા આદેશ આપ્યો છે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
